હોસ્પિટલમાં દાખલ થવાની આગલી રાત્રે જ ભાણેજના ઘરે બેભાન હાલતમાં ઢળી પડી
ગોંડલમાં રહેતી પરિણીતાને છાતીમાં દુખાવો ઉપાડતા રાજકોટ સારવાર માટે આવી હતી. દાખલ થવાની આગલી રાત્રે ભાણેજના ઘરે રાત્રી રોકાણ કર્યું હતું. તે દરમિયાન તેણીને હૃદયરોગનો હુમલો આવતા મોત નીપજ્યું હતું પરિણીતાના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં આવેલા રામજી મંદિર પાછળ રહેતી સવિતાબેન શાંતિભાઈ રજપુત નામની 40 વર્ષની પરિણીતા રાજકોટમાં ચુનારાવાડ વિસ્તારમાં રહેતા તેના ભાણેજ મેહુલભાઈના ઘરે હતી ત્યારે રાત્રીના સમયે બેભાન હાલતમાં ઢળી પડી હતી. પરિણીતાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતાં થોરાળા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં સવિતાબેન રજપુતને સંતાનમાં બે પુત્રો અને બે પુત્રી છે સવિતાબેન રજપુતને છાતીમાં દુખાવો ઉપડતા રાજકોટ સારવાર અર્થે આવ્યા હતા અને આજે તેમને હોસ્પિટલમાં દાખલ થવાનું હતું જેથી તેઓએ તેના ભાણેજના ઘરે રાત્રે રોકાણ કર્યું હતું તે દરમિયાન આવેલો હદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે થોરાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.