મળ મૂત્ર અટકી ગયા: તબેલાના 15 પશુઓમાં દેખાયો રોગ, એકનું મોત, અન્ય સારવારમાં
કોડીનાર શહેરમાં દુધાળા પશુઓમાં લંપી નામના રોગચાળા પછી પશુઓના મળ મૂત્ર ત્યાગ કરવાની કુદરતી પ્રવૃત્તિ બંધ થઈ જવાના વિચિત્ર પ્રકારના રોગે પગ પેસારો કર્યો છે. કોડીનાર શહેરના મામલતદાર ઓફિસ પાછળ વાડી વિસ્તારમાં આવેલ તબેલામાં પાલતુ ગાય અને ભેંસમાં ઝાડો પેશાબ બંધ થઈ જવાના વિચિત્ર રોગને કારણે કીમતી પશુઓનું મરણ પામવાના બનાવ બનતા તબેલાના માલિક માનસિંગભાઈ ગોવિંદભાઈ ડોડીયા મુસીબતમાં મુકાયા હતા જોકે તેઓ પણ વર્ષોથી પશુપાલન સાથે જોડાયેલા હોય આ પ્રકારનો રોગ પ્રથમ વખત જોવા મળતા તેઓએ તાત્કાલિક કોડીનારના સરકારી પશુ દવાખાના અધિક્ષક ડો. મેહુલભાઈ રાઠોડને જાણ કરતા તેઓ પોતાની ટીમ સાથે તાત્કાલિક તબેલા ઉપર આવી સર્વે કરી તમામ પશુઓની તપાસ અને સારવાર હાથ ધરી હતી જોકે આ સારવાર દરમિયાન માનસિંગભાઈની એક કીમતી ભેંસનું મૃત્યુ થયું હતું.
આ અંગે કોડીનાર પશુ દવાખાનાના ડો. મેહુલભાઈ રાઠોડ એ જણાવ્યું હતું કે માનસિંગભાઈ ડોડીયાના એક સાથે 15 જેટલા દુધાળા પશુઓમાં આ પ્રકારનો એક જ સરખો રોગ ફેલાયેલો હોવાના કારણે તેમને સારવાર આપીને આ રોગ થવાના કારણોની સઘન તપાસ હાથ ધરતા અમારા તજજ્ઞ પશુ ચિકિત્સક જણાવ્યા મુજબ પશુઓને ખાવા માટે અપાતા મગફળીના પાલામાં સતત પડી રહેલા વરસાદને કારણે ફૂગ થવાના કારણે ફૂગ વાળો મગફળીનો પાલો ખાવાના કારણે પશુઓમાં ફૂગજન્ય રોગ વકર્યો છે. માનસિંગભાઈ ડોડીયાનાં 15 પશુઓને ફૂડ પોઈઝન થઈ ગયું છે જે પૈકી એક કીમતી ભેંસનું મૃત્યુ નીપજ્યું છે અને બાકીના 14 પશુઓની પશુ ચિકિત્સક ડોક્ટરો દ્વારા સારવાર ચાલુ કરાય છે ત્યારે પશુ માલિકોએ ફૂગજન્ય રોગથી બચવા માટે સાવચેત રહેવા જણાવ્યું છે.