કચ્છ જિલ્લામાં ડીપ ડીપ્રેશનના લીધે ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. તે દરમિયાન અંજાર પોલીસ બેઘર લોકો માટે દેવદૂત સાબિત થઇ હતી. વરસતા વરસાદમાં બેઘર લોકોને પોલીસ સ્ટેશનમાં આશરો આપવામાં આવ્યો હતો. અંજાર તાલુકાનો ટપ્પર ડેમ ઓવરફ્લો થતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા.
સતત વરસતા વરસાદની વચ્ચે અંજાર પોલીસ બની દેવદૂત
સતત વરસી રહેલા વરસાદની વચ્ચે નાગરિકોની વ્હારે પૂર્વ કચ્છ પોલીસ આવી છે. અંજાર પોલીસે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. ખાસ રાત્રિના સમયે બેઘર થયેલા લોકોને અંજાર પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં આશરો આપવામાં આવ્યો હતો. આમ ભારે વરસાદની વચ્ચે અંજાર પોલીસે દેવદૂત બનીને લોકોને પોલીસની ગાડીમાં બેસાડીને બચાવની કામગીરી કરી હતી.
કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ ચાલુ હોય લોકોને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. જોખમી કૉઝ-વે, નદી નાળાને જોવા નહીં જવા અને વહીવટીતંત્રને સહયોગ આપવા લોકોને અનુરોધ કરવામાં આવી રહ્યો છે. કચ્છમાં ભારે થી અતિભારે વરસાદના પગલે માંડવી તાલુકામાં અનેક વિસ્તાર અસરગ્રસ્ત થયા છે ત્યારે મોટા કાંડાગરાની લેબર કોલોનીમાં ફસાયેલા મજૂરોને વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
કચ્છમાં રસ્તા પર ધરાશાયી થયેલા વૃક્ષોને તંત્ર દ્વારા હટાવી રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા
કચ્છ જિલ્લામાં ભારે વરસાદને પગલે વિવિધ રસ્તાઓ પર વૃક્ષો ધરાશયી થવાની ઘટનાઓ બની છે. ત્યારે રસ્તા પર પડેલા વૃક્ષોને હટાવવા વનવિભાગ તથા માર્ગ મકાન વિભાગ ખડે પગે કામગીરી કરી રહ્યું છે. ભુજ તાલુકાના વર્ધમાન નગરના રસ્તામાં પાણી ભરાતા તત્કાલ કામગીરી કરીને રસ્તો પૂર્વવત કરાયો હતો. જ્યારે અંજાર – સતાપર – લાખાપર રોડ તથા ભુજ- માંડવી હાઇવે પર વૃક્ષો ધરાશયી થઈ જતા વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી કરવામાં આવી હતી. વાહન ચાલકો માટે રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા.