કોન્ટ્રાકટ બેઝ ઉપર નોકરી કરતાં યુવકના મૃત્યુથી ત્રણ બાળકોએ પિતાનું છત્ર ગુમાવ્યું
રાજકોટ તાલુકાના બિલેશ્ર્વર રાજગઢ ગામના વતની અને રાજકોટ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ઓપરેશન થીયેટરમાં ઓટી આસીસ્ટન્ટ તરીકે કોન્ટ્રાકટ બેઝ પર નોકરી કરતાં યુવકનું ચાલુ ફરજે હાર્ટએટેક આવતાં કરૂણ મોત નિપજ્યું હતું. યુવકના મોતથી ત્રણ માસુમ બાળકો પિતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટ તાલુકાના બિલેશ્ર્વર રાજગઢ ગામના વતની અને રાજકોટ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ઓપરેશન થીયેટરમાં ઓટી આસીસ્ટન્ટ તરીકે કોન્ટ્રાકટ બેઝ પર નોકરી કરતાં દિલીપ જેરામભાઈ જાડા નામનો 39 વર્ષનો યુવાન સવારે 9 વાગ્યાના અરસામા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આવેલા ઓપરેશન થીયેટરમાં ફરજ પર હતો ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં બેભાન હાલતમાં ઢળી પડયો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતાં પરિવાર અને સહકર્મચારીઓમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.