રાજકોટ જિલ્લામાં શ્રાવણિયા જૂગારની મોસમ પુરબહારમાં ખીલી છે ત્યારે જિલ્લાના અલગ અલગ 12 દરોડામાં જુગાર રમતા 56 શખ્સોની પોલીસે ધરપકડ કરી રૂા. 1.77 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. રાજકોટ જિલ્લાના જેતપુર, ગોંડલ, જામ કંડોરણા, પડધરી અને શાપર-વેરાવળમાં પોલીસે અલગ અલગ જુગારના દરોડા પાડ્યા હતાં.
રાજકોટ જિલ્લાના અલગ અલગ ગામમાં શ્રાવણિયા જુગાર ઉપર પોલીસે પાડેલા દરોડામાં 12 દરોડામાં 56 શખ્સો જુગાર રમતા ઝડપાઈ ગયા હતાં. જેમાં જામ કંડોરણામાં પીપરડી ગામની સીમમાં સુખુભા દાદભા જાડેજાની ઓરડીમાં જુગાર રમતા 6 શખ્સોની રૂા. 42,320ની રોકડ સાથે ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે જેતપુરમાં વરલીનો જુગાર રમતા બે શખ્સોને નાજાવાડાપરામાંથી ઝડપી લેવાયા હતાં. ધોરાજીમાં પોલીસે જમનાવડ રોડ ઉપર જુગાર રમતી મહિલાઓ સહિત 9 શખ્સોની રૂા. 10,140ની રોકડ સાથે ધરપકડ કરી હતી. જ્યારે બીજા દરોડામાં જાહેરમાં જુગાર રમતા 8 શખ્સો 15,670ની રોકડ સાથે ઝડપાઈ ગયા હતાં.