ભારવિનાના ભણતરના સ્લોગન વચ્ચે છાસવારે વિદ્યાર્થીઓના આપઘાતનું ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. જ્યારે રાજકોટમાં વધુ બે છાત્રાએ આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. જેમાં પરસાણાનગરની ધો. 9 ની વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ અને થોરાળામાં ધો. 12ની છાત્રાએ ઝેરી દવા પી જીવન ટુંકાવી લેતા બન્ને પરિવારમાં અરેરાટી સાથે કરુંણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં જામનગર રોડ ઉપર આવેલા પરસાણા નગરમાં રહેતી અને સત્યપ્રકાશ સ્કૂલમાં ધો. 9માં અભ્યાસ કરતી ભક્તિબેન વિજયભાઈ ટિમાણીયા નામની 14 વર્ષની તરૂણી પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણ સર સાંજના પાંચેક વાગ્યાના અરસામાં છતના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તરૂણીના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક ભક્તિબેન ટિમાણીયા એકભાઈ બે બહેનમાં મોટી હતી. અને ધો. 9 માં અભ્યાસ કરતી હતી. ભક્તિબેનના પિતા વિજયભાઈ ટિમાણીયા જામનગર એરફોર્સમાં કુક તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં રાજકોટમાં નવા થોરાળા વિસ્તારમાં આવેલી ન્યુ સર્વોદય સોસાયટીમાં રહેતી અને સ્વામીનારાયણ સ્કૂલમાં ધો. 12માં અભ્યાસ કરતી જાનવીબેન રમેશભાઈ વાળા નામની 16 વર્ષની સગીરા પોતાના ઘરે હતી ત્યારે વહેલી સવારે 5:30 વાગ્યાના અરસામાં ઝેરેી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે સગીરાએ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક જાનવીબેન વાળા બે ભાઈ બે બહેનમાં વચેટ હતી અને ધો. 12માં અભ્યાસ કરતી હતી તેના પિતા ડ્રઈવીંગ કામ કરી ગુજરાન ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી બન્ને વિદ્યાર્થીનીના આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.