દેવ-દેવીઓ સહિતની ઉછામણીમાં જૈન શ્રેષ્ઠીઓએ ઉત્સાહભેર ભાગ લીધો: સ્વામિવાત્સલ્ય સંઘ જમણ યોજાયું
જિનશાસન પ્રભાવક આચાર્ય ભગવત પૂ.શ્રી જયશેખરસૂરિશ્વરજી મ. આદિ ઠાણાની નિશ્રામાં ગઈકાલે અમૃત ઘાયલ હોલ ખાતે કાલાવડ રોડ શ્ર્વે.મૂ.પૂ. જૈન તપગચ્છ સંઘ, શ્રી જયધર્મ કલ્યાણ નિધિ ટ્રસ્ટ સંચાલિત શ્રી જયાનંદ ધામ (નવગ્રહ જિનાલય) અવધ રોડ, હોટલ સીઝન્સ સામે, કાલાવડ રોડ, હરીપર ખાતે બિરાજમાન થનાર દેવ-દેવીઓનો નગર પ્રવેશ, ભૂમિપૂજન તથા શિલાન્યાસ (ત્રણેયના એક સાથ)ના આદેશોની ઉછામણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટના જૈન શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી જયાનંદ ધામ (નવગ્રહ જિનાલય)માં બિરાજમાન થનારા શ્રી ગૌતમ સ્વામી, શ્રી પુંડરિક સ્વામી, શ્રી જયાનંદસૂરિજી મ., શ્રી માણિભદ્રવીર, શ્રી ગંટાકર્ણ વીર, શ્રી અંબિકા માતાજી, શ્રી પદ્માવતી માતાજી, શ્રી સરસ્વતી દેવી, શ્રી લક્ષ્મી માતાજી, શ્રી ગોમુખયક્ષ, શ્રી ચક્રેશ્વરી દેવી વગેરેના આદેશો અપાયા હતા.
ભૂમિપૂજન અને શિલાન્યાસનો પ્રસંગ આગામી તા.12મીના શુક્રવારે ઉજવાશે. આકાશવાણી ચોક, યુનિ.રોડ ખાતેથી પૂ.ગુરૂ મહારાજનું સામૈયું નીકળ્યું હતું. અમૃત ઘાયલ હોલમાં સામૈયું સંપન્ન થયા બાદ પૂજયશ્રીએ માંગલિક પ્રવચન ફરમાવ્યું હતું. ત્યારબાદ ઉછામણીનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે કાલાવડ રોડ સંઘના પ્રમુખ અશ્વિનભાઈ શાહ, મહેશભાઈ મણિયાર, નીતેશભાઈ શાહ, વિપુલભાઈ દોશી, જયોતિન મહેતા, સુનીલભાઈ મહેતા, દિલેશભાઈ શાહ, શૈલેષભાઈ માઉ. જયંતભાઈ મહેતા, અશ્વિનભાઈ દોશી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન નીતેશભાઈ શાહે કર્યું હતું. જયારે જયોતિભાઈ મહેતા વગેરેએ ભકિત સંગીત રજૂ કરેલું હતું.