ડિગ્રી આર્કિટેક્ટની અને કામ ફ્રોડનું..ઠગો માટે મ્યુલ એકાઉન્ટ ખોલતી ગેંગના બ્રિજેશના 3 બેન્ક સાથે કનેક્શનઃ 1.73 કરોડના ટ્રાન્ઝેક્શન
ડિજિટલ એરેસ્ટ સહિતની સાયબર ઠગાઈ આચરતી ગેંગ માટે ‘મ્યુલ એકાઉન્ટ’ (ભાડેથી બેન્ક ખાતા) ખોલાવી આપવાના ગુનામાં વડોદરા સાયબર ક્રાઈમ પોલીસે વાસદ ખાતેથી બ્રિજેશ રામચંદ્ર પટેલ નામના શખ્સની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી આર્કિટેક્ટની ડિપ્લોમા ડિગ્રી ધરાવે છે, પરંતુ તે કમિશનની લાલચમાં સાયબર ઠગો માટે બેન્ક ખાતા ખોલાવી આપવાનું નેટવર્ક ચલાવતો હતો. વડોદરા અને કચ્છના ચાર અલગ-અલગ સાયબર ફ્રોડના કેસોમાં આ ટોળકીએ રૂ. ૧.૭૩ કરોડથી વધુની રકમની હેરાફેરી કરી હોવાનું સામે આવ્યું છે.
સાયબર ફ્રોડ અને મ્યુલ એકાઉન્ટ કૌભાંડની મુખ્ય વિગતો:
-
ત્રણ બેન્કો સાથે કનેક્શન અને કરોડોના વ્યવહારો:
-
કર્ણાટકા બેન્ક (જૂના પાદરા રોડ): અહીં શ્રવણકુમારના નામે ખોલાવાયેલા મ્યુલ એકાઉન્ટની તપાસમાં કમિશન આપી ખાતું ખોલાવનાર તરીકે બ્રિજેશ પટેલ (રહે. નિલકંઠ રેસિડેન્સી, મકરપુરા એરફોર્સ પાછળ) નું નામ ખૂલ્યું હતું.
-
એક્સિસ બેન્ક (વાઘોડિયા રોડ): અહીં ‘આરપીસીએલ ઇન્ડિયા પ્રા.લિ.’ ના નામે ખૂલેલા ખાતામાં સાયબર ફ્રોડના રૂ. ૧.૨૦ કરોડ જેટલા ટ્રાન્ઝેક્શન થયા હતા. તપાસમાં આ ખાતું બ્રિજેશ પટેલ અને તેના પિતા રામચંદ્ર પટેલના નામનું હોવાનું બહાર આવ્યું છે.
-
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI): આ ઉપરાંત બ્રિજેશે SBI માં પણ મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યું હોવાની વિગતો મળતા પોલીસે તે દિશામાં તપાસ તેજ કરી છે.
-
-
કચ્છના કેસોમાં પણ સંડોવણી: કચ્છમાં ડિજિટલ એરેસ્ટ અને કાર વેચાણના બહાને આચરવામાં આવેલી ઠગાઈના બે કેસોમાં ઠગોએ પડાવેલા રૂ. ૪૧ લાખથી વધુની રકમ જે મ્યુલ એકાઉન્ટમાં જમા થઈ હતી, તેમાં પણ બ્રિજેશની સંડોવણી ખુલી હતી.
-
કમિશનનું નેટવર્ક અને પોલીસ પૂછપરછ: સાયબર સેલના ACP મયૂરસિંહ રાજપૂતના જણાવ્યા અનુસાર, ઇન્ટરનેશનલ સાયબર ઠગ ટોળકીને ભારતમાં નાણાંની હેરાફેરી માટે સ્થાનિક બેન્ક ખાતાની જરૂર પડતી હોવાથી તેઓ કમિશન આપીને ખાતા મેળવે છે. બ્રિજેશ ખાતું ખોલાવનારને કમિશન આપતો અને પોતે પણ તગડું કમિશન મેળવતો હતો. પૂછપરછમાં બ્રિજેશ પોલીસને ગોળગોળ જવાબ આપી રહ્યો છે અને રાજસ્થાનના ‘મનોજ’ નામના શખ્સ પર સમગ્ર દોષનો ટોપલો ઢોળી રહ્યો છે, જેથી પોલીસે મનોજ અને અન્ય સાગરીતોની શોધખોળ શરૂ કરી છે.
-
ટ્રાન્સફર વોરંટથી વધુ ધરપકડની તજવીજ: અકોટા પોલીસ સ્ટેશનના મ્યુલ એકાઉન્ટના ગુનામાં રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે બ્રિજેશને જેલ હવાલે કર્યો છે. હવે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂ. ૧.૨૦ કરોડના ફ્રોડ કેસમાં ટ્રાન્સફર વોરંટથી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.










