વર્લ્ડક્લાસ રેલવે સ્ટેશનના દાવા વચ્ચે અમદાવાદમાં 4 વર્ષમાં માત્ર 20 ટકા કામ, સરકારી રિપોર્ટમાં ઘટસ્ફોટ
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનને આધુનિક સુવિધાઓથી સજ્જ કરીને વર્લ્ડક્લાસ બનાવવાની યોજના કાગળ પર જેટલી ભવ્ય દેખાય છે, તેટલી ઝડપ જમીની સ્તરે કામગીરીમાં જોવા મળી રહી નથી. કેન્દ્ર સરકારના રૂ. ૧૫૦ કરોડ કે તેથી વધુ ખર્ચના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર દેખરેખ રાખતી કચેરીના તાજેતરના અહેવાલમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ રિપોર્ટ મુજબ, સ્ટેશનના પુનઃનિર્માણ પાછળ કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા હોવા છતાં ભૌતિક પ્રગતિ અત્યંત ધીમી રહી છે, જેના કારણે નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ થવા સામે સવાલો ઊભા થયા છે.
કાલુપુર રેલવે સ્ટેશન અને અન્ય રેલવે પ્રોજેક્ટ્સની સ્થિતિની મુખ્ય વિગતો:
-
૪ વર્ષમાં માત્ર ૨૦ ટકા જ કામગીરી: રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટને ૨૪ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ મંજૂરી મળી હતી, જેનો મૂળ ખર્ચ રૂ. ૨,૩૭૯ કરોડ નક્કી કરાયો હતો. અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટ પાછળ રૂ. ૧,૦૨૬.૫૮ કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે, પરંતુ તેની ભૌતિક પ્રગતિ માત્ર ૨૦ ટકા જ નોંધાઈ છે. ૩૦ જૂન, ૨૦૨૭ સુધીમાં બાકીનું ૮૦ ટકા કામ પૂર્ણ કરવું તંત્ર માટે મોટો પડકાર બનશે.
-
મુંબઈ-અમદાવાદ સુરક્ષા સિસ્ટમમાં પણ વિલંબ: ટ્રેન અકસ્માતો રોકવા માટે મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ રૂટ પર ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ લગાવવાની કામગીરીમાં પણ એક વર્ષનો વિલંબ થયો છે. આ પ્રોજેક્ટનો ખર્ચ રૂ. ૩૧૧ કરોડથી વધીને રૂ. ૩૭૯.૬૧ કરોડ થયો છે અને અત્યાર સુધીમાં રૂ. ૨૩૪.૯૦ કરોડ ખર્ચાયા હોવા છતાં માત્ર ૨૦ ટકા જ કામ થયું છે. ડિસેમ્બર ૨૦૨૫માં પૂર્ણ થનાર આ કામની મુદત હવે લંબાવીને ડિસેમ્બર ૨૦૨૬ કરવામાં આવી છે.
-
વર્ષોથી અટવાયેલા અન્ય મહત્ત્વના રેલવે પ્રોજેક્ટ્સ: ગુજરાતમાં હાલ રેલવેના કુલ ૨૭ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, જેમાંથી અનેક પ્રોજેક્ટ્સ વર્ષોથી અધૂરા છે. વર્ષ ૨૦૦૮માં મંજૂર થયેલા અમદાવાદ-હિંમતનગર-ઉદયપુર પ્રોજેક્ટનું ૯૧ ટકા, ૨૦૦૭માં મંજૂર થયેલા છોટાઉદેપુર-ધાર પ્રોજેક્ટનું ૫૮ ટકા અને દાહોદ-ઈન્દોર પ્રોજેક્ટનું માત્ર ૫૭ ટકા કામ જ પૂર્ણ થઈ શક્યું છે.
-
મુદત લંબાવાયેલા અન્ય પ્રોજેક્ટ્સની સ્થિતિ:
-
અમદાવાદ-હિંમતનગર-ઉદયપુર: રૂ. ૨,૮૩૭.૮૦ કરોડના ખર્ચે ૯૧% કામ પૂર્ણ; સમયમર્યાદા માર્ચ ૨૦૨૪થી લંબાવીને માર્ચ ૨૦૨૬ કરાઈ.
-
બરેજડી-નાંદેજ-ગેરતપુર-સાણંદ ચોથી લાઈન: રૂ. ૨,૪૦૨.૭૧ કરોડના ખર્ચે ૨૫% કામ પૂર્ણ; મુદત માર્ચ ૨૦૨૭થી વધારીને જુલાઈ ૨૦૨૮ કરાઈ.
-
નળિયા-જખૌ પોર્ટ નવી બ્રોડગેજ લાઈન: રૂ. ૪૧૦.૨૯ કરોડના ખર્ચે માત્ર ૫% કામ પૂર્ણ; સમયમર્યાદા જાન્યુઆરી ૨૦૨૮થી લંબાવી ફેબ્રુઆરી ૨૦૨૮ કરાઈ.
-
સાબરમતી ટ્રેનસેટ મેઈન્ટેનન્સ સુવિધા: રૂ. ૨૪૯.૬૭ કરોડના ખર્ચે ૯૧% કામ પૂર્ણ; મુદત ડિસેમ્બર ૨૦૨૫થી લંબાવી મે ૨૦૨૬ કરાઈ.
-










