રૂ. 23,000 કરોડનો ટ્રાફિક દંડ બાકી, ઈ-ચલાન નહીં ભરનારા વાહનો જપ્ત કરવા સુપ્રીમ કોર્ટનો રાજ્યોને આદેશ

દેશભરમાં લાંબા સમયથી બાકી બોલતા ટ્રાફિક ઈ-ચલણના મુદ્દે સુપ્રીમ કોર્ટે અત્યંત આકરું વલણ અપનાવી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કડક આદેશો જારી કર્યા છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે આદેશ આપ્યો છે કે ટ્રાફિક પોલીસ અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને બાકી ઈ-ચલણ ધરાવતા વાહનોને તાત્કાલિક જપ્ત કરે.

કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા આંકડા મુજબ દેશમાં જારી કરાયેલા રૂ. ૪૯,૧૯૪.૦૫ કરોડના કુલ ઈ-ચલણમાંથી રૂ. ૨૩,૦૧૯ કરોડનો દંડ વસૂલવાનો બાકી છે. એસ. રાજશેખરન વિરુદ્ધ ભારત સરકારની અરજી પર સુનાવણી કરતા બેન્ચે સ્પષ્ટ કર્યું કે અદાલતો મારફતે દંડ વસૂલવાની પરંપરાગત પદ્ધતિ હવે બિનઅસરકારક સાબિત થઈ રહી છે, તેથી જમીની સ્તરે કડક અમલીકરણ જરૂરી છે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય નિર્દેશો અને કડક પગલાં:

  • પરિવહન પોર્ટલની સેવાઓ રદ: જૂનો દંડ ભરાય નહીં ત્યાં સુધી વાહનની RC રિન્યુ કરવા, ડુપ્લિકેટ દસ્તાવેજ મેળવવા કે સરનામું બદલવા જેવી તમામ ડિજિટલ સેવાઓ સ્થગિત રહેશે.

  • PUC, ફિટનેસ અને વેચાણ પર પ્રતિબંધ: દંડ ન ભરનારા વાહનોને ફિટનેસ કે PUC સર્ટિફિકેટ નહીં મળે તેમજ તેમને બ્લેકલિસ્ટ કરાશે જેથી વાહનની માલિકી ટ્રાન્સફર કે વેચાણ નહીં થઈ શકે. વારંવાર નિયમભંગ કરનારના લાયસન્સ રદ થશે.

  • AI ટેકનોલોજી અને ડેશબોર્ડ: નેશનલ હાઈવે અને રાજ્યોની ઈ-તપાસ વ્યવસ્થામાં AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ઉમેરીને ૧૨ પ્રકારના નિયમભંગો આપમેળે પકડવામાં આવશે. મંત્રાલય દર મહિને અપડેટ થતું ઓનલાઈન પબ્લિક ડેશબોર્ડ પણ શરૂ કરશે.

સુપ્રીમ કોર્ટે રાજ્યોને ચેતવણી આપી છે કે જો આ આદેશો માત્ર કાગળ પર રહેશે, તો આદેશનું પાલન ન કરનારા જવાબદાર અધિકારીઓ સામે અદાલત આકરી કાર્યવાહી હાથ ધરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE