અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જૂન અને જુલાઈ બાદ સતત ત્રીજા મહિને (ઓગસ્ટ ૨૦૨૬માં) મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ બંને ક્ષેત્રે મુસાફરો ઘટતાં ફ્લાઇટ્સની અવરજવર (એરક્રાફ્ટ મૂવમેન્ટ) પર પણ અસર પડી છે. જોકે, આ જ સમયગાળા દરમિયાન માલસામાનની હેરફેર એટલે કે કાર્ગો-ફ્રેટ મૂવમેન્ટમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે.
ઓગસ્ટ ૨૦૨૬માં અમદાવાદ એરપોર્ટ પરથી કુલ ૮.૭૮ લાખ મુસાફરોએ પ્રવાસ કર્યો હતો, જે ઓગસ્ટ ૨૦૨૫ના ૧૦.૬૦ લાખ મુસાફરોની તુલનાએ ૧૭.૨ ટકા ઓછો છે. બીજી તરફ, ઓગસ્ટ માસ દરમિયાન કાર્ગો હેન્ડલિંગ ૧૨,૯૯૩.૮ મેટ્રિક ટન નોંધાયું છે, જેમાં ૯.૯ ટકાનો ઉછાળો આવ્યો છે.
પેસેન્જર, ફ્લાઇટ અને કાર્ગો ટ્રાફિકના મુખ્ય આંકડા:
-
પેસેન્જર ટ્રાફિક: ઓગસ્ટ ૨૦૨૬માં ઇન્ટરનેશનલ પેસેન્જર ૧૬.૩% ઘટીને ૧.૫૯ લાખ અને ડોમેસ્ટિક પેસેન્જર ૧૭.૪% ઘટીને ૭.૧૮ લાખ નોંધાયા છે. (એપ્રિલથી ઓગસ્ટમાં કુલ મુસાફરોમાં ૪.૪%નો ઘટાડો).
-
એરક્રાફ્ટ મૂવમેન્ટ: ફ્લાઇટ્સની કુલ અવરજવરમાં વાર્ષિક ૧૬.૬%નો ઘટાડો થયો છે (ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ -૨૩.૯% અને ડોમેસ્ટિક ફ્લાઇટ્સ -૧૫.૧%).
-
કાર્ગો મૂવમેન્ટમાં તેજી: ઓગસ્ટમાં ઈન્ટરનેશનલ ફ્રેટ ૧૧.૪% અને ડોમેસ્ટિક ફ્રેટ ૮.૨% વધ્યું છે. જ્યારે એપ્રિલથી ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન કુલ ૬૪,૦૩૨.૯ મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ થયો છે, જે વાર્ષિક ધોરણે ૧૯.૩% નો સરાહનીય વધારો દર્શાવે છે.
મુસાફરોની સંખ્યા ઘટવા પાછળ મુખ્યત્વે ચોમાસાની ‘ઓફ-સિઝન’, હવાઈ ઈંધણના વધતા ભાવને લીધે ઊંચા ભાડાં, ફ્લાઇટ ફ્રીક્વન્સીમાં થયેલો ઘટાડો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભૌગોલિક-રાજકીય તણાવ જવાબદાર માનવામાં આવે છે.











