ડરપોક શિક્ષણાધિકારી રાજીનામુ આપેના સુત્રોચ્ચાર : 9ની અટકાયત,
D.E.O. કચેરી પર કોંગ્રેસનો હલ્લાબોલ : શિક્ષણાધિકારીને ઢાંકણીમાં પાણી આપ્યું : પોલીસે ટીંગાટોળી કરી કાર્યકરોને ઉપાડી લીધા
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પર આજે કોંગ્રેસે હલ્લાબોલ કરી શિક્ષણાધિકારીના રાજીનામાની માંગણી ઉઠાવી હતી તેની સાથોસાથ શિક્ષણાધિકારીને ઢાંકણીમાં પાણી આપ્યું હતું. જાહેર રજામાં શાળાઓ શરૂ રાખનારા શાળા સંચાલકો શિક્ષણાધિકારીને ગાંઠતા ન હોવાની ફરિયાદ કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ કરી ડરપોક શિક્ષણાધિકારી રાજીનામું આપેના સુત્રોચ્ચાર કાર્યકરો આગેવાનો એ કર્યા હતા. આ આંદોલનાત્મક કાર્યક્રમ દરમિયાન પોલીસે 9 યુવા આગેવાનોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. આ અંગે કોંગ્રેસના વિદ્યાર્થીનેતા અને પ્રવકતા રોહિતસિંહ રાજપૂત તથા કોંગ્રેસના અગ્રણી રણજીત મુંધવા, સહિતના આગેવાનો એ જણાવ્યું હતું કે રાજકોટમાં ખાનગી શાળાઓની દાદાગીરી એટલી હદે વધતી જાય છે ત્યારે બીજી તરફ જીલ્લા શિક્ષણ અધિકારીને પણ હવે અમુક સંચાલકો ગાઠતા નથી તેવુ ચિત્ર ઉપજી આવ્યુ છે. જાહેર રજામા અનેક ખાનગી શાળાઓ શરૂ હતી. ત્યારે વાલીઓએ અને વિદ્યાર્થીઓએ અનેક ફોન જિલ્લા શિક્ષણ અધિકારીને કર્યા છતા એક ફોન કોઈનો ઉપાડ્યો ના હતો બીજી તરફ ગઈકાલે વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે ધોળકીયા સ્કૂલે રજૂઆત કરવા પહોચેલા કોંગ્રેસના યુવા કાર્યકરોને સંચાલકે ચોખ્ખુ કહ્યુ હતુ કે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવી હોય તો કરી દેજો.. ગઈકાલે ધોળકીયા સ્કૂલમા કોંગ્રેસે હલ્લાબોલ કર્યા બાદ જીલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓ બંધ કરવાના આદેશ આપ્યા હતા પરંતુ વાસ્તવમા તમામ શાળાઓ બપોર પછીની પારીમા ચાલુ જ હતી !
જેનો સીધો મતલબ થયો કે જિલ્લા શિક્ષણ અધિકારીને સ્કૂલ સંચાલકો 1% પણ ગાંઠતા નથી. રાજ્ય સરકારના નિયમોનો ઉલાળિયો કરનાર સામે કડકાઈ દર્શાવવાના બદલે જવાબદાર અધિકારી નોટિસ આપવામા પણ ડરતો હોય તો તેઓએ આ પદ પરથી રાજીનામુ આપી દેવુ જોઈએ તેવા વિદ્યાર્થી નેતાઓએ પ્રહારો કર્યા હતા. વધુમા જણાવ્યુ હતુ કે જિલ્લાની શૈક્ષણિક બાબતોમા રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે જેમની જવાબદારી હોય તે જ વેચાય જાય તો શિક્ષણની સ્થિતિ શુ ઉદ્દભવે ? બસ આવી જ પરિસ્થિતિ કઈક રાજકોટમા હાલના સમયે ઉદ્ભવી છે જ્યારે જ્યારે સ્કુલોની ખોટી રીતે દાદાગીરી સામે આવે છે ત્યારે ડી.ઈ.ઓ. જાણે સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોશિયનના મહામંત્રી પદ પર હોય તેવુ અરજદારો સાથે વલણ દાખવે છે તે શરમજનક છે. થોડા સમય પહેલા ખાનગી સ્કુલોમા પ્લાસ્ટિકના ગેરકાયદેસર ડોમ અંગેની પુરાવા સહિત અમો રજૂઆત કરવા ગયેલ ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે ગંભીરતા દાખવવાના બદલે બીજા વિભાગો ઉપર ખો આપી. ડી.ઈ.ઓ.જવાબદારીમાથી છટકી ગયા હતા અને જણાવ્યુ કે હુ જો આ અંગે કાર્યવાહી કરુ તો કાલ સવારે સરકારમાથી ઇન્કવાઇરી ઉભી થશે
તો ! કહેવાનો મતલબ કે જો આવો જ ડર લાગતો હોય તો જવાબદારીઓમાથી સ્વેચ્છિક રાજીનામુ આપી દેવુ જોઈએ અન્યથા જો ઊંચો સરકારી પગાર લેવો જ હોય તો નીડરતાથી સત્યની સાથે ચાલી કડકાઈથી કામગીરી કરવી પડશે. તેઓએ જણાવ્યું હતું કે, વેકેશનના રજાના દિવસોમા મોટાભાગની શાળાઓ શરૂ હતી ત્યારે વિદ્યાર્થીઓના વાલીઓ ફરિયાદો કરી કરીને થાકી ગયા પણ એક સ્કૂલે ડી.ઈ.ઓ.ને ગાંઠ્યા ના હતા અને હવે તમામ સરકારી જાહેરરજાઓમા ખાનગી શાળાઓ શરૂ હોય છે.આવા બેદરકાર અધિકારીઓને લીધે જ ટીઆરપી ગેમઝોન જેવા અગ્નિકાંડમાં 30 લોકોનો જીવ હોમાયો છે. ડી.ઈ.ઓ.ની નિષ્ક્રિય અને શંકાસ્પદ કાર્યશૈલીની શિક્ષણમંત્રીને પણ રજૂઆત કરવામાં આવશે.
વધુમા કોંગ્રેસના યુવા કાર્યકરો અને આગેવાનોએ જણાવ્યુ હતુ કે ગઈકાલની જાહેરરજામા રાજકોટની જેટલી જેટલી શાળાઓ શરૂ હતી તેઓ વિરુદ્ધ દંડનાત્મક કડક કાર્યવાહી કરવામા તે જરૂરી છે આ કાર્યક્રમમાં કોંગ્રેસના વિદ્યાર્થીનેતા પ્રવક્તા રોહિતસિંહ રાજપુત,કોંગ્રેસ અગ્રણી રણજીત મુંધવા, ઓબીસી સેલ પ્રમુખ હાર્દિકસિંહ રાજપૂત,યુવા આગેવાન જીત સોની,યશ ભીંડોરા,રોનક રવૈયા,રાજ પટેલ,પારસ પટેલ,ડેનિસ રામાણિ,દીક્ષિત પટેલ, વિશાલ નાડોલા સહિતની પોલિસે અટકાયત કરી હતી.