બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ અને થરાદ વિસ્તારમાં ચાલુ વર્ષે નહિવત અને સમયસર વરસાદ ન પડવાને કારણે તેમજ કેનાલો ખાલીખમ રહેતાં ઘાસચારાની ગંભીર અછત સર્જાઈ છે. વરસાદ ખેંચાવાથી પશુઓ માટે ઘાસચારાનું વાવેતર થઈ શક્યું નથી, જેને લીધે વેપારીઓ ઘાસચારાના તોતીંગ ભાવ વસૂલી રહ્યા છે. પૈસા આપવા છતાં પણ પૂરતો ઘાસચારો ન મળતાં વિસ્તારની ૧૩૦ જેટલી ગૌશાળાઓમાં નભતી હજારો ગાયોના નિભાવ અને પાલનપોષણ માટે સંચાલકો ભારે આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે.
સ્થિતિ એટલી ગંભીર બની છે કે ગૌશાળાઓમાં ગાયોને ઘાસ ખવડાવવાના ફાંફા પડી રહ્યા છે. સામાન્ય રીતે એક ગાયને દરરોજ ૩૦ થી ૩૫ કિલો ઘાસની જરૂરિયાત રહે છે, જ્યારે હાલ ઘાસચારો ૨૨ થી ૨૫ રૂપિયા પ્રતિ કિલોના ઊંચા ભાવે મળી રહ્યો છે. આમ દરરોજ એક ગાય પાછળ ૩૦૦ થી ૪૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે, જેની સામે સરકાર તરફથી પ્રતિ ગાય માત્ર ૩૦ રૂપિયા જેટલો નિભાવ ખર્ચ જ મળે છે. આ ઉપરાંત નબળા ચોમાસાને કારણે સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોની આર્થિક સ્થિતિ પણ દયનીય બની હોવાથી ગૌશાળાઓમાં મળતું લોકદાન પણ અટકી ગયું છે.
ગૌશાળા સંચાલકોની મુખ્ય માંગણીઓ અને મુશ્કેલીઓ:
-
ભાવ નિયંત્રણ: ઘાસચારાની અછતનો લાભ ઉઠાવી કાળાબજારી કરતા વેપારીઓ પર તંત્ર કડક નિયંત્રણ લાદે અને વ્યાજબી ભાવે ઘાસ ઉપલબ્ધ કરાવે.
-
દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ: વરસાદની ખેંચ અને કેનાલોની સ્થિતિ ધ્યાને લઈ સરકાર દ્વારા સમગ્ર વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે.
-
રાહત પેકેજ અને સહાય: હજારો મૂંગા પશુઓને બચાવવા માટે સરકાર ગૌશાળાઓ માટે ખાસ રાહત પેકેજ મંજૂર કરે અને નિભાવ સહાયની રકમમાં વધારો કરે.










