રાજકોટમાં પાલતુ પ્રાણીઓ માટે અલાયદા સ્મશાનની માંગ

રોશની કમિટી ચેરમેન પરેશ ઠાકરે કમિશનર તુષાર સુમેરાને પત્ર લખ્યો : પરિવારના સભ્ય સમાન પાલતુ પ્રાણીઓની અંત્યેષ્ટિ માટે વ્યવસ્થાના અભાવે પશુપ્રેમીઓની મુશ્કેલી

રાજકોટ : પાલતુ પ્રાણીને પરિવારના સભ્યની જેમ રાખતા રાજકોટના પશુપ્રેમીઓનો એક સંવેદનશીલ પ્રશ્ન હવે મહાનગરપાલિકા તંત્ર સુધી પહોંચ્યો છે. પાલતુ પ્રાણીના મૃત્યુ બાદ તેની અંત્યેષ્ટિ માટે યોગ્ય અને વ્યવસ્થિત સ્થળ ન હોવાના મુદ્દે રોશની કમિટી ચેરમેન પરેશ ઠાકરે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને પત્ર પાઠવી શહેરમાં પાલતુ પ્રાણીઓ માટે અલાયદા સ્મશાનની વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

રાજકોટમાં અનેક પરિવારો કૂતરા, બિલાડી સહિતના પાલતુ પ્રાણીઓને વર્ષો સુધી પરિવારના એક સદસ્યની જેમ ઉછેરે છે. આવા પ્રાણીનું અવસાન થાય ત્યારે પરિવાર માટે અંતિમ વિદાયનો પ્રસંગ સ્વાભાવિક રીતે જ લાગણીસભર બની રહે છે. પરંતુ અંતિમ સંસ્કાર માટે યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાથી પશુપ્રેમીઓને આ સમયે પારિવારિક ઉપરાંત સામાજિક સ્તરે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાનો મુદ્દો રજૂઆતમાં ઉઠાવવામાં આવ્યો છે.

પરેશ ઠાકરે રજૂઆતમાં જણાવ્યું છે કે શહેરમાં પાલતુ પ્રાણીઓ પ્રત્યે લોકોની સંવેદનશીલતા વધી રહી છે ત્યારે તેમના અંતિમ સંસ્કાર માટે પણ યોગ્ય અને માનવીય અભિગમ સાથે વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત છે. મનપા દ્વારા અલાયદું સ્થળ ફાળવી જરૂરી સુવિધાઓ સાથે પાલતુ પ્રાણીઓના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરવામાં આવે તો પશુપ્રેમીઓની આ સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ છે.

આ માટે શહેરમાં યોગ્ય સ્થળ પસંદ કરી અલાયદું સ્મશાન વિકસાવવું તેમજ અંતિમ સંસ્કાર માટે નિયમિત અને વ્યવસ્થિત પ્રક્રિયા નક્કી કરવી તેવી માંગ કમિશનર સમક્ષ કરવામાં આવી છે.

હવે આ સંવેદનશીલ રજૂઆત અંગે મહાનગરપાલિકા તંત્ર શું નિર્ણય લે છે અને રાજકોટના પશુપ્રેમીઓની આ મુશ્કેલી દૂર કરવા માટે કયા પગલાં ભરાય છે તેના પર સૌની નજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE