મહાનગરપાલિકાના કોર્પોરેટરની માતા સામે ગંભીર ફરિયાદ; કલેક્ટરને લેખિત રજૂઆત, પોલીસની ગુપ્ત તપાસ શરૂ
આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા કરમસદમાં કરોડો રૂપિયાની જમીનના દસ્તાવેજને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. એક કોર્પોરેટરની માતાએ કથિત રીતે છેતરપિંડી કરીને જમીનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે અરજદારે આણંદ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. બીજી તરફ, આણંદ જિલ્લા પોલીસ વડાને પણ મામલાની જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
મળતી માહિતી મુજબ, સમગ્ર પ્રકરણ અંગે પોલીસ તંત્ર દ્વારા ગુપ્ત રીતે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જમીનના મૂળ દસ્તાવેજો, સહી-સિક્કા અને સંબંધિત કાનૂની પ્રક્રિયાની તપાસ બાદ જ આક્ષેપોમાં કેટલું તથ્ય છે તે સ્પષ્ટ થશે.
કરોડોની જમીન સાથે જોડાયેલા આ મામલામાં હવે વહીવટી અને પોલીસ તપાસના અંતે શું હકીકત બહાર આવે છે તેના પર સૌની નજર છે.











