રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા બૂટલેગરો અને અસામાજિક તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. રાજ્યના ડીજીપી દ્વારા આપવામાં આવેલી ખાસ સૂચનાઓને પગલે રાજકોટમાં દારૂના વેચાણ અને સેવનના દૂષણને નાથવા કડક સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
મેગા ડ્રાઇવ દરમિયાન મોટી કાર્યવાહી
-
130 થી વધુ ગુના નોંધાયા: રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા 3 દિવસમાં હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન દેશી-વિદેશી દારૂના કબજા અને વેચાણ સંબંધિત 130 થી વધુ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
-
પીધેલા ઝડપાયા: જાહેર સ્થળોએ ગેરકાયદેસર રીતે દારૂનું સેવન કરી દૂષણ ફેલાવતા 8 પીધેલા ઇસમોને સ્થળ પરથી જ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.
બૂટલેગરો અને ગેંગ સામે GUJCTOC તથા પાસા હેઠળ કડક આકરાં પગલાં
-
ગુજસીટોક હેઠળ ગુના: છેલ્લા 2 મહિનામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી મોટા ગજાની 2 સંગઠિત ગેંગ સામે ‘ગુજસીટોક’ (GUJCTOC) હેઠળ ગુનો નોંધી જેલહવાલે કરવામાં આવ્યા છે.
-
અસામાજિક તત્વો સામે કાર્યવાહી: વારંવાર ગુના આચરતા તત્વો સામે પાસા (PASA), તડીપાર અને પ્રોહિબિશન એક્ટ હેઠળ કડક આકરાં પગલાં લેવામાં આવી રહ્યા છે.
માહિતી આપવા હેલ્પલાઇન નંબર જાહેર
રાજકોટ શહેર DCP ક્રાઇમ જગદીશ બાંગરવાએ નાગરિકોને અપીલ કરી છે કે આસપાસ ચાલતી કોઈપણ અસામાજિક કે ગેરકાયદે પ્રવૃત્તિ અંગે DCB પોલીસ સ્ટેશનના ખાસ નંબર 63596 29896 પર જાણ કરવી. માહિતી આપનાર નાગરિકની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.










