અમદાવાદ શહેરમાં રેશનિંગ વ્યવસ્થાનું સર્વર અત્યંત ધીમું પડતાં અને વારંવાર બંધ થઈ જતાં રેશનકાર્ડ ધારકો તેમજ સસ્તા અનાજના દુકાનદારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તહેવારોના ટાણે જ સર્વરની ટેકનિકલ ખામીઓના કારણે દુકાનો પર લાંબી લાઈનો લાગી રહી છે, જેના કારણે ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે ઘર્ષણના બનાવો પણ સામે આવી રહ્યા છે.
સરકારી ગોડાઉનોમાં જથ્થાની અછત, એસોસિએશનના આક્ષેપ
-
કઠોળ અને તેલની અછત: એક તરફ સર્વરના ધાંધિયા છે તો બીજી તરફ સરકારી ગોડાઉનોમાં ચણા, તુવેર દાળ અને કપાસિયા તેલનો જરૂરી જથ્થો હજુ સુધી પહોંચ્યો જ નથી.
-
નબળી નીતિ જવાબદાર: ફેર પ્રાઇસ શોપ એસોસિએશને આક્ષેપ કર્યો છે કે ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ માટે દુકાનદારો નહીં પરંતુ સરકારની નબળી નીતિઓ અને અવ્યવસ્થા જવાબદાર છે. એસોસિએશને ગ્રાહકોને દુકાનદારો સાથે તકરાર ન કરવા અપીલ કરી છે.
CBDC વ્યવસ્થા અંગે સવાલો અને જૂની સિસ્ટમ ચાલુ કરવા માંગ
-
નવી પદ્ધતિથી પરેશાની: સરકારની નવી સીબીડીસી (CBDC) વ્યવસ્થાને લઈને એસોસિએશને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે.
-
જૂની સિસ્ટમની માંગ: દર મહિનાની 25 તારીખે જે સરળ રીતે CBDC વિતરણ કરવામાં આવતું હતું, તે જ જૂની પદ્ધતિ તાત્કાલિક પુનઃ શરૂ કરવા અને ટેક્નોલોજીના નામે અખતરા બંધ કરી સર્વર ઝડપી બનાવવાની ઉગ્ર માંગણી કરાઈ છે.
ઉગ્ર આંદોલનની કડક ચેતવણી
જો રેશન વિતરણની વ્યવસ્થામાં તાત્કાલિક સુધારો કરવામાં નહીં આવે તો આગામી તહેવારોમાં લાખો ગ્રાહકો અનાજથી વંચિત રહેશે. એસોસિએશને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સર્વરની સમસ્યા અને જથ્થાની અછત ઉકેલાશે નહીં તો આગામી દિવસોમાં રાજ્યભરમાં વ્યાપક આંદોલન કરવામાં આવશે.










