પાકિસ્તાનની જેલોમાં બંધ ભારતીય માછીમારો અને જપ્ત બોટોની મુક્તિ માટે વડાપ્રધાનને આવેદન

ગીર સોમનાથ: પાકિસ્તાનની જેલોમાં બંધ ગુજરાતના નિર્દોષ ભારતીય માછીમારોને સત્વરે મુક્ત કરી સ્વદેશ પરત લાવવા તેમજ પાકિસ્તાન દ્વારા જપ્ત કરવામાં આવેલી માછીમારીની બોટો પરત મેળવવા માટે માંગ ઉઠી છે.

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી રસિક ચાવડા (આર.સી.) દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને આવેદનપત્ર પાઠવી આ સમગ્ર મુદ્દે તાત્કાલિક રાજદ્વારી અને કાનૂની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.

આવેદનમાં જણાવ્યા મુજબ પોરબંદર, વેરાવળ, માંગરોળ, ઉના, જાફરાબાદ, ઓખા અને દીવ સહિતના દરિયાકાંઠા વિસ્તારોના અનેક માછીમારો અજાણતા આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા ઓળંગી જતાં પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવે છે અને તેમની માછીમારીની બોટો પણ જપ્ત કરવામાં આવે છે.

માછીમારો લાંબા સમયથી પાકિસ્તાનની જેલોમાં બંધ હોવાથી તેમના પરિવારજનો ગંભીર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ઘરના મુખ્ય કમાઉ સભ્ય જેલમાં હોવાથી પરિવારની રોજીરોટી પર સીધી અસર પડી રહી છે અને પરિવારજનો માનસિક યાતના ભોગવી રહ્યા છે.

વધુમાં, જેલોમાં પૂરતો અને યોગ્ય ખોરાક તથા જરૂરી તબીબી સુવિધાઓના અભાવને કારણે કેદી માછીમારોના આરોગ્ય અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

આથી વિદેશ મંત્રાલય દ્વારા પાકિસ્તાન સાથે કાનૂની અને રાજદ્વારી સ્તરે અસરકારક વાટાઘાટો કરી તમામ ભારતીય માછીમારોને વહેલી તકે સ્વદેશ પરત લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે જ માછીમારોની રોજીરોટીનું મુખ્ય સાધન એવી જપ્ત કરવામાં આવેલી બોટોને પણ ભારત પરત લાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે.

આ આવેદનપત્રની નકલો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકર તેમજ સાંસદ રાજેશભાઈ ચૂડાસમા, ધારાસભ્ય કે.સી. રાઠોડ સહિતના સંબંધિત ઉચ્ચ અધિકારીઓને પણ પાઠવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE