પ્રેસનોટ | તા. 17-08-2026
ધ્રાંગધ્રા તાલુકામાંથી 2 ટ્રક, 1 ક્રેન અને આશરે 15 ટન પથ્થર સહિત રૂ.25 લાખનો મુદ્દામાલ સીઝ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લીઝ કે રોયલ્ટી વિના ગેરકાયદેસર પથ્થરનું ખનન કરતા ઇસમો સામે રાજકોટ રેન્જ ટીમે કાર્યવાહી કરી છે. ટીમે સ્થળ પરથી બે ટ્રક, એક ક્રેન તથા આશરે 15 ટન પથ્થર મળી કુલ રૂ.25 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા તેમજ સરકારી અને કુદરતી સંપત્તિને નુકસાન કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
જેના અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી.એન. મોરી, શ્રી બી.સી. મીયાત્રા, શ્રી સી.એમ. કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સ અને જરૂરી વર્કઆઉટના આધારે ગેરકાયદેસર ખનન કરતા ઇસમોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ફતેસંગ પરમાર તથા દિલીપસિંહ સિંધવને મળેલી હકીકતના આધારે ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામની સીમમાં વાસાડવા જવાના રસ્તા નજીક આવેલી વાડીમાં તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન વાડી માલિક મનુભાઇ અમરશીભાઇ વાણંદ, રહે. વાવડી, ધ્રાંગધ્રાના કબ્જાની વાડીમાંથી લીઝ કે રોયલ્ટી વિના પથ્થરનું ખનન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.
કાર્યવાહીમાં ટ્રક નં. GJ18 79072, ટ્રક નં. GJ12 U 9046, ક્રેન નં. GJ38 50579 તથા આશરે 15 ટન પથ્થર મળી કુલ *રૂ.25,00,000/-*નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો.
પોલીસે વાહનચાલકોને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરી છે. સ્થાનિક પોલીસને પણ સ્થળ પર બોલાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ રેન્જ ટીમની આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનન અને કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ સામે પોલીસની કડક કાર્યવાહીનો સંદેશ ગયો છે.











