સુરતમાં મીઠી ખાડીનું પૂર દર ચોમાસે સ્થાનિકો અને વેપારીઓ માટે કાયમી આફત બની ગયું છે. ભારે વરસાદ પડતાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળે છે. તાજેતરમાં જુલાઈ માસ દરમિયાન જ ત્રણ વખત પૂરની સ્થિતિનો સામનો કર્યા બાદ, વોર્ડ નં. 18ના ચારેય કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કમિશનર નાગરાજન સમક્ષ આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સંકલિત માસ્ટર પ્લાન તૈયાર કરવા રજૂઆત કરી છે.
પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો
ખાડીના પાણી ઓવરફ્લો થવાથી સુરત-બારડોલી રોડ, સણિયા હેમાદ, સારોલી, કુંભારિયા, પરવટ ગામ અને માધવબાગ જેવા નીચાણવાળા વિસ્તારોમાં ભારે નુકસાન થાય છે. અનેક વખત 3થી 5 દિવસ સુધી પાણી ભરાયેલા રહેતા લોકોનું જનજીવન ખોરવાય છે અને ઔદ્યોગિક એકમોને આર્થિક ફટકો પડે છે.
રજૂઆતના મુખ્ય મુદ્દા અને માગણીઓ
-
3 કિમીના પટ્ટામાં કન્ફાઈનિંગ વોલ: આશીર્વાદ માર્કેટથી આઉટર રિંગરોડ સુધીના ૩ કિલોમીટરના પટ્ટામાં કન્ફાઈનિંગ વોલ ન હોવાથી પાણી સીધું રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જાય છે. આથી આ ભાગમાં તાત્કાલિક કન્ફાઈનિંગ વોલ બનાવવાની માગ કરાઈ છે.
-
પમ્પિંગ સ્ટેશનોનું નિર્માણ: ડીએમડી માર્કેટ, ભારત કેન્સર હોસ્પિટલ વિસ્તાર, કુંભારિયા, સારોલી અને સણિયા હેમાદ તળાવ જેવા વિસ્તારોમાં પાણીના ઝડપી નિકાલ માટે યોગ્ય ક્ષમતા ધરાવતા પમ્પિંગ સ્ટેશન વિકસાવવાની રજૂઆત કરાઈ છે.
-
અતિક્રમણ નિયંત્રણ અને સેટબેક: ખાડીની બોર્ડર લાઈન નક્કી કરી બંને બાજુ 9 મીટરનો સેટબેક સુનિશ્ચિત કરવા અને કુદરતી વહેણમાં અવરોધરૂપ અતિક્રમણો હટાવવા કડક મોનિટરિંગની માગ કરવામાં આવી છે.
-
ઈન્ટિગ્રેટેડ ફ્લડ મેનેજમેન્ટ માસ્ટર પ્લાન: ખાડી ડાયવર્ઝન, ડી-સિલ્ટિંગ, ફ્લડ ગેટ અને સ્ટોર્મ વોટર નેટવર્ક જેવા તમામ પાસાઓને સાંકળીને સમયબદ્ધ ‘મીઠી ખાડી ઈન્ટિગ્રેટેડ ફ્લડ મેનેજમેન્ટ માસ્ટર પ્લાન’ તૈયાર કરવા ભાર મૂકાયો છે.
કાંગારું સર્કલથી મહારાણા પ્રતાપ ચોક સુધી બ્રિજની માંગ
વોર્ડ નં. 18માં વાહનવ્યવહારના વધતા ભારણને ધ્યાનમાં રાખીને કાંગારું સર્કલથી મહારાણા પ્રતાપ ચોક સુધી નવો બ્રિજ બનાવવાની પણ કમિશનર સમક્ષ રજૂઆત કરાઈ છે. આ બ્રિજથી સારોલી, સણિયા હેમાદ અને કુંભારિયા વિસ્તાર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત થશે અને ટ્રાફિકની સમસ્યા હળવી થશે.











