રાજકોટ શહેરમાં દારૂના શોખીનોને બ્રાન્ડેડના નામે નકલી દારૂ પધરાવવાનો પર્દાફાશ થયો છે. પ્રિન્સિપલ ક્રાઇમ બ્રાન્ચ (PCB) ની ટીમે ભગવતીપરા વિસ્તારમાં આવેલી વિનોબા ભાવે ટાઉનશિપમાં દરોડો પાડીને ડુપ્લીકેટ દારૂનું રેકેટ ઝડપી પાડ્યું છે. પોલીસે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને ભેજાબાજ આરોપી અનીશ હિંગોરાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી કમાણી કરવા માટે એક અનોખી મોડસ ઓપરેન્ડી અપનાવતો હતો. તે ભંગારના વેપારીઓ પાસેથી બ્રાન્ડેડ વિદેશી દારૂની ખાલી બોટલો ખરીદતો હતો. ત્યારબાદ તે બોટલોમાં સસ્તો દારૂ ભરી, તેના પર નવું સીલ મારી મોંઘી બ્રાન્ડ તરીકે ઊંચા ભાવે વેચતો હતો. કેમેરા અને પોલીસ સમક્ષ આરોપીએ પોતાની આ આખી કરતૂત અને મોડસ ઓપરેન્ડીની કબૂલાત પણ કરી લીધી છે.
ઘટનાના મુખ્ય મુદ્દાઓ:
-
આરોગ્ય સાથે ખીલવાડ: મોંઘી બ્રાન્ડના નામે સસ્તો અને બનાવટી દારૂ પધરાવીને આરોપી લોકોના આરોગ્ય સાથે ગંભીર ખીલવાડ કરી મંગી આર્થિક કમાણી કરતો હતો.
-
મુદ્દામાલ જપ્ત: પીસીબી પોલીસે દરોડા દરમિયાન ડુપ્લીકેટ દારૂ બનાવવામાં વપરાતો તમામ સાધન-સામગ્રી અને બોટલો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
-
ઊંડાણપૂર્વક તપાસ શરૂ: આ કૌભાંડમાં અન્ય કયા સાગરીતો જોડાયેલા છે, ભંગારમાંથી બોટલો પૂરી પાડનાર કોણ હતું અને આ નકલી દારૂ કોને-કોને સપ્લાય કરવામાં આવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.










