સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો: તંત્ર એલર્ટ મોડમાં, નાયબ મુખ્ય દંડક અને કલેક્ટરે કરી સ્થળ મુલાકાત

રેડ એલર્ટ વચ્ચે 197 લોકોનું સ્થળાંતર, 36 માર્ગો બંધ; જનસુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા

સુરેન્દ્રનગર: જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા સતત વરસાદને કારણે ધોળીધજા ડેમ 100 ટકા ભરાઈ ઓવરફ્લો થયો છે. પરિસ્થિતિની સમીક્ષા કરવા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીએ ડેમની સ્થળ પર મુલાકાત લઈ જળસપાટી, પાણીની આવક-જાવક અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

અધિકારીઓએ ડેમની વર્તમાન સ્થિતિ અંગે તકનીકી માહિતી મેળવી અને આગામી દિવસોમાં વધુ વરસાદના સંજોગોમાં પાણી છોડવાની જરૂરિયાત ઊભી થાય તો નીચાણવાળા વિસ્તારોમાં જાનમાલનું નુકસાન ન થાય તે માટે આગોતરા આયોજન અને જરૂરી તકેદારી રાખવા સૂચના આપી હતી.

નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે ધોળીધજા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે, જ્યારે ઉપરવાસનો નાયકા ડેમ આશરે 65 ટકા ભરાયો છે. વધુ વરસાદની સ્થિતિમાં ડેમ ઓથોરિટી અને જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી નિયંત્રિત રીતે પાણી છોડવામાં આવશે.

જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીએ જણાવ્યું કે હવામાન વિભાગના રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર છે. સાવચેતીના ભાગરૂપે સુરેન્દ્રનગર શહેરમાંથી 197 નાગરિકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરાયા છે અને તેમના રહેવા-જમવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

વરસાદી પરિસ્થિતિને પગલે રાજ્ય ધોરીમાર્ગોના 6 માર્ગો અને પંચાયત હસ્તકના કોઝવે સહિત કુલ 36 માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જિલ્લા તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

વહીવટી તંત્રે નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા તેમજ માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE