રાજકોટ: દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ ચોમાસાએ જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાકમાં અમરેલી, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વડીયામાં 7 ઇંચ, ગોંડલમાં 4 ઇંચ અને રાજકોટ શહેરમાં સવા બે ઇંચ વરસાદ નોંધાતા અનેક નદી-નાળા અને ચેકડેમોમાં નવા નીરની આવક થઈ છે.
અમરેલી જિલ્લાના વડીયા અને બગસરા પંથકમાં ધોધમાર વરસાદથી સુરવો નદી સહિતના જળસ્ત્રોતોમાં પાણીની આવક વધી છે, જ્યારે અનેક ચેકડેમ ઓવરફ્લો થયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળતાં જનજીવન પર અસર જોવા મળી હતી.
રાજકોટ જિલ્લાના ગોંડલમાં રાતભર મેઘમહેર બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જામનગર જિલ્લામાં કાલાવડ, ધ્રોલ, જામનગર શહેર અને જોડિયા સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાતા જળાશયોની સપાટીમાં વધારો થયો છે.
જૂનાગઢ, ભાવનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હળવાથી ભારે વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.










