શહેરભરમાં 64 પેઢી-રેસ્ટોરન્ટની તપાસ; 29ને નોટિસ, ₹75,500નો દંડ વસૂલ, ખાદ્ય નમૂનાઓ લેબમાં મોકલાયા
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગે શહેરમાં ભેળસેળ અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો સામે મેગા ડ્રાઈવ હાથ ધરી હતી. સર્વેલન્સ ચેકિંગ દરમિયાન 64 પેઢી અને રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી, જેમાં 476 કિલો અખાદ્ય, વાસી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યસામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. ગંભીર અનિયમિતતા સામે આવતાં 11 પેઢીઓને સીલ, 29 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી હતી તેમજ ₹75,500નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.
કાર્યવાહી દરમિયાન FSSAI એક્ટ હેઠળ 4 ખાદ્યપદાર્થોના નમૂનાઓ તેમજ દૂધ અને પનીરના 2 નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટના આધારે સંબંધિત પેઢીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સીલ કરાયેલી પેઢીઓમાં હાઉસ ઓફ સ્નેક્સ, આર.બી. ફ્રૂટ પ્રોડક્ટ, જય અંબે લાઈવ વેફર્સ, શ્રી જલારામ ટ્રેડર્સ, સદગુરુ ફરસાણ, પટેલ ચાઈનીઝ ભેળ, ઇન્ડિયા રેસ્ટોરન્ટ, શ્રીજી ફૂડ ઝોન, સોનલ સીઝન સ્ટોર એન્ડ ચાઈનીઝ પંજાબી, શિવ શંકર રેસ્ટોરન્ટ અને મહાદેવ પેંડાનો સમાવેશ થાય છે.
ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં ભેળસેળ, ગંદકી અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. આગામી દિવસોમાં પણ શહેરભરમાં આવી સઘન તપાસ અને કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.











