રાજકોટમાં ‘વેપન કાર્ટેલ’નો પર્દાફાશ: પીસીબીની ઐતિહાસિક કાર્યવાહી, 11 આરોપી ઝડપાયા; 24 પિસ્તોલ અને 30થી વધુ કારતૂસ જપ્ત

રાજકોટ: રાજકોટ શહેર પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB)એ ગેરકાયદે હથિયારોની હેરાફેરી સામે રાજ્યસ્તરે સૌથી મોટી કાર્યવાહી કરીને આંતરરાજ્ય ‘વેપન કાર્ટેલ’નો ભાંડો ફોડી નાખ્યો છે. મધ્યપ્રદેશના મીરજાપુરથી રાજકોટ સુધી ફેલાયેલા હથિયાર સપ્લાય નેટવર્કનો પર્દાફાશ કરતાં પોલીસે અત્યાર સુધીમાં 11 આરોપીઓની ધરપકડ કરી 24 દેશી બનાવટની પિસ્તોલ અને 30થી વધુ જીવતા કારતૂસ કબજે કર્યા છે.

અષાઢી બીજ અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ શહેરમાં વિશેષ ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન પીઆઈ એમ.આર. ગોંડલિયાની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાંકાનેર ચોકડી નજીક દરોડો પાડી મધ્યપ્રદેશના શકીલ સાદીક મન્સુરીને પાંચ પિસ્તોલ અને 20 જીવતા કારતૂસ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

શકીલની પૂછપરછમાં ગેરકાયદે હથિયારોના સમગ્ર નેટવર્કનો ખુલાસો થતાં પોલીસે ચોટીલા, બોધરાવદર સહિત વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી વધુ આરોપીઓને ઝડપી લીધા હતા. શરૂઆતના ઓપરેશનમાં જ 16 હથિયારો, 30 જીવતા કારતૂસ, મોબાઇલ ફોન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

કોર્ટમાંથી રિમાન્ડ મળ્યા બાદ આરોપીઓની સઘન પૂછપરછમાં એક પછી એક નવા ખુલાસા થતા ગયા. તપાસમાં વડવાજડીના સંદીપસિંહ પ્રભાતસિંહ પરમાર, જયપાલ રાજેશ ડેડાણીયા અને આરીફ ગફાર પઠાણ સુધી હથિયારો પહોંચ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ત્રણેયને ઝડપી તેમની પાસેથી ગેરકાયદે પિસ્તોલ અને કારતૂસ જપ્ત કર્યા હતા.

આગળની તપાસમાં વધુ ત્રણ આરોપીઓ – ધૃવ ઉર્ફે કનૈયો સુનીલગીરી ગૌસ્વામી, જયરાજ ઉર્ફે લાલો પીઠુ ખાચર અને શ્યામ રાજુ પરમાર –ની સંડોવણી બહાર આવતાં તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેય પાસેથી એક-એક દેશી પિસ્તોલ મળી આવી હતી.

પોલીસ તપાસમાં આરોપીઓએ સમાજમાં રોફ જમાવવા અને પોતાનો દબદબો ઉભો કરવા માટે રૂ.20થી 25 હજાર ચૂકવી હથિયારો ખરીદ્યાની કબૂલાત આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા અનેક આરોપીઓ સામે અગાઉથી હત્યા, હુમલા, પ્રોહિબિશન અને અન્ય ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

રાજકોટ પીસીબીની આ કાર્યવાહીને ગેરકાયદે હથિયારોના વેપાર સામે અત્યાર સુધીની સૌથી મોટી સફળતા માનવામાં આવી રહી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર સપ્લાય ચેઇન, નાણાકીય વ્યવહાર અને આ કાર્ટેલ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓને શોધવા માટે તપાસ હજુ પણ સતત આગળ ધપાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE