ભારે વરસાદ વચ્ચે સરકાર એલર્ટ મોડમાં: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સુરત-વલસાડના પ્રવાસે

ગાંધીનગર: રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાત સરકાર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં વરસાદી સ્થિતિ, રાહત-બચાવ કામગીરી અને વહીવટી તંત્રની સજ્જતાની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક બાદ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સુરત અને વલસાડ જિલ્લાની મુલાકાત લઈને અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનો સ્થળ પર જ તાગ મેળવશે. પ્રવાસ દરમિયાન તેઓ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરશે તેમજ અસરગ્રસ્ત નાગરિકો અને અધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે.

મુખ્યમંત્રીએ રાજ્યના તમામ વરસાદગ્રસ્ત જિલ્લાઓના સ્થાનિક અને પ્રભારી મંત્રીઓને તાત્કાલિક અસરથી ક્ષેત્ર મુલાકાત લેવાના નિર્દેશ આપ્યા છે. ઉપરાંત જિલ્લા વહીવટી તંત્રની કામગીરી, આપત્તિ વ્યવસ્થાપન અને રાહત કામગીરીની વ્યક્તિગત દેખરેખ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે, જેથી અસરગ્રસ્ત લોકોને ઝડપી સહાય મળી રહે.

કેબિનેટ બેઠકમાં પર્યાવરણમૈત્રી પરિવહનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં વ્યાપક ઈલેક્ટ્રિક વાહન (EV) ચાર્જિંગ સ્ટેશન પોલિસી તૈયાર કરવાનો પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગોને રાજ્યવ્યાપી સુદ્રઢ નીતિ ઘડવા સૂચના આપી છે, જેનાથી ગ્રીન એનર્જી અને ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વધુ વેગ મળશે.

બેઠકના અંતે ભારે વરસાદ દરમિયાન દીવાલ ધરાશાયી થવી, વૃક્ષ પડવા અને વીજળી પડવા જેવી દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનારા 11 નાગરિકોને મુખ્યમંત્રી અને સમગ્ર મંત્રીમંડળે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને સરકાર તેમના પડખે હોવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE