કચ્છના મુન્દ્રામાં પાર્કિંગના વિવાદમાં વૃદ્ધની હત્યા: લોખંડના પાઈપથી હુમલો કરી બે આરોપી ફરાર

પત્રી ગામમાં નજીવી બોલાચાલીએ લીધો લોહિયાળ વળાંક; અબ્દુલ્લા હુસેન પઠાણનું ઘટનાસ્થળે જ મોત

મુન્દ્રા: કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના પત્રી ગામમાં વાહન પાર્કિંગના મુદ્દે થયેલો વિવાદ હત્યામાં પરિણમ્યો છે. લોખંડના પાઈપ વડે કરાયેલા જીવલેણ હુમલામાં વૃદ્ધ અબ્દુલ્લા હુસેન પઠાણનું મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાથમિક તપાસ મુજબ, ઘર નજીક વાહનો પાર્ક કરવા બાબતે થયેલી બોલાચાલી દરમિયાન બે શખ્સોએ ઉશ્કેરાઈ અબ્દુલ્લા હુસેન પઠાણ પર લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

હુમલો કર્યા બાદ બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે. હત્યાના ચોક્કસ કારણો અને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE