ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત: 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં સૌથી વધુ 10.79 ઇંચ નોંધાયો

ગાંધીનગર: રાજ્યભરમાં ચોમાસાએ ફરી જોર પકડતાં છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 164 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતાં જનજીવન પર અસર જોવા મળી છે તેમજ જળાશયોમાં પાણીની આવકમાં વધારો થયો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 10.79 ઇંચ વરસાદ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં નોંધાયો છે. ત્યારબાદ ધારીમાં 9.21 ઇંચ અને ખાંભામાં 6.81 ઇંચ વરસાદ નોંધાતા અમરેલી જિલ્લો મેઘરાજાની સૌથી વધુ મહેર મેળવનાર જિલ્લાઓમાં રહ્યો છે.

આ ઉપરાંત ડાંગ જિલ્લાના સુબિરમાં 5.16 ઇંચ, સાવરકુંડલામાં 5.04 ઇંચ, જાફરાબાદમાં 4.92 ઇંચ, ડાંગ તાલુકામાં 4.57 ઇંચ, સાબરકાંઠાના વિજયનગરમાં 4.49 ઇંચ તેમજ બગસરામાં 4.29 ઇંચ વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદને કારણે અનેક નદી-નાળા અને જળાશયોમાં નવા નીરની આવક વધી છે, જ્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

વહીવટી તંત્ર દ્વારા લોકોને નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા, જરૂરી સાવચેતી રાખવા તથા હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE