અમદાવાદ: ભ્રષ્ટાચાર સામેની કાર્યવાહી અંતર્ગત અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ ભદ્ર સ્થિત સિટી સેશન્સ કોર્ટના આસિસ્ટન્ટ ક્લાર્ક અશોક માધવલાલ પટેલને ₹10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી બાદ ન્યાયિક તંત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે.
પ્રાથમિક માહિતી મુજબ, ફરિયાદીના ઘરની બાજુમાં આવેલી કોમન કમ્પાઉન્ડ દિવાલને લગતો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો. આ કેસમાં ફરિયાદીની તરફેણમાં નિર્ણય અપાવવાની લાલચ આપી આસિસ્ટન્ટ ક્લાર્ક અશોક પટેલે ₹10 હજારની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદીએ લાંચ આપવાને બદલે અમદાવાદ ACBનો સંપર્ક કરતાં અધિકારીઓએ નારણપુરા વિસ્તારના ધરતી સર્કલ નજીક ટ્રેપ ગોઠવ્યો હતો. પૂર્વ આયોજન મુજબ ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા જ ACBની ટીમે અશોક માધવલાલ પટેલને રંગેહાથ ઝડપી લીધો હતો.
ACBએ આરોપીની ધરપકડ કરીને તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન આરોપીની ભૂમિકા, અગાઉની પ્રવૃત્તિઓ તેમજ આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.











