સુરત: દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ આખરે જોર પકડતાં સુરત સહિત અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરતમાં છેલ્લા 30 કલાક દરમિયાન આશરે 125 મીમી (5 ઇંચ) વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જ્યારે મોટા વરાછા વિસ્તારમાં 400 મીટરનો રસ્તો અચાનક ધસી પડતાં એક કાર અને મનપાની ટ્રક ભૂવામાં ગરકાવ થઈ ગઈ હતી.
મોડી રાત્રિથી શરૂ થયેલા ભારે વરસાદના કારણે સુરત શહેરમાં માર્ગો જળબંબાકાર બન્યા હતા. અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો ઉભરાઈ જતાં ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળ્યું હતું. અંડરપાસોમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પર વ્યાપક અસર પડી હતી અને અનેક વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
અમરેલી વિસ્તાર સહિત શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોના ઉંબરા સુધી પહોંચી જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ભારે વરસાદ વચ્ચે મોટા વરાછા વિસ્તારમાં તાજેતરમાં તૈયાર કરાયેલો અંદાજે 400 મીટરનો રસ્તો જમીનમાં ધસી પડ્યો હતો. રસ્તામાં પડેલા વિશાળ ભૂવામાં એક કાર અને સમારકામ માટે આવેલી મનપાની ટ્રક ફસાઈ જતાં ઘટનાસ્થળે દોડધામ મચી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
રાજ્યના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરત શહેર ઉપરાંત કામરેજ, માંગરોળ, પલસાણા, બારડોલી, ઓલપાડ, નવસારી, ધરમપુર, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, અમરેલી, બોટાદ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ વધુ સક્રિય બનવાની શક્યતા છે. સ્થાનિક વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે, જ્યારે નાગરિકોને પણ ભારે વરસાદ દરમિયાન અનાવશ્યક મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવી છે.











