મુંબઈ: દેશભરમાં પરીક્ષાઓની પારદર્શિતા અંગે ફરી એકવાર સવાલો ઉભા થયા છે. નીટ પરીક્ષાના પેપર લીક વિવાદ બાદ હવે મહારાષ્ટ્રમાં યોજાનારી શિક્ષક પાત્રતા પરીક્ષા (TET)નું પ્રશ્નપત્ર પણ પરીક્ષા પહેલાં જ લીક થવાની ઘટના સામે આવતા સત્તાવાળાઓએ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.
મળતી માહિતી અનુસાર, ભિવંડી વિસ્તારમાં કેટલાક શિક્ષકો સુધી પ્રશ્નપત્ર પહોંચ્યાની માહિતી મળતાં મહારાષ્ટ્ર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન મળી આવેલા પ્રશ્નપત્રની સરખામણી સત્તાવાર પ્રશ્નપત્ર સાથે કરવામાં આવતાં તેમાં નોંધપાત્ર સમાનતા જોવા મળી હતી. ત્યારબાદ પરીક્ષા રદ કરી નવી તારીખ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
TET પરીક્ષા શિક્ષક તરીકેની લાયકાત માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરીક્ષા મોકૂફ રહેતાં હજારો ઉમેદવારોને રાહ જોવી પડશે.
પોલીસે સમગ્ર મામલે અનેક શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરી છે અને પ્રશ્નપત્ર કયા સ્તરેથી લીક થયું તેની તપાસ હાથ ધરી છે. પેપર લીકના મૂળ સુધી પહોંચવા માટે વિવિધ પાસાઓની તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં નીટ પરીક્ષાના પેપર લીક મામલામાં પણ મહારાષ્ટ્રનું નામ ચર્ચામાં આવ્યું હતું. હવે વધુ એક મહત્વપૂર્ણ પરીક્ષા પહેલાં પેપર લીકની ઘટના સામે આવતા પરીક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા અને સુરક્ષા અંગે ફરી ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.











