મુન્દ્રા: પશ્ચિમ કચ્છ SOGએ નશીલા પદાર્થોની હેરાફેરી સામે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા મુન્દ્રાના નાના કપાયા લેબર કોલોની વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.
બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન પોલીસે એક ઓરડીની તપાસ કરતાં ત્યાંથી 2.817 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ગાંજાનો જથ્થો, મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 1.60 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આરોપીની અટકાયત કરીને તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ગાંજાનો જથ્થો વેચાણ માટે રાખવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસ હવે ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં અને તેના વિતરણ માટેનું નેટવર્ક કેટલું વિસ્તૃત છે તે દિશામાં તપાસ કરી રહી છે.
સમગ્ર મામલે મુન્દ્રા પોલીસ અને પશ્ચિમ કચ્છ SOG દ્વારા સંયુક્ત રીતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.











