અકોટા વિસ્તારમાં SOGની કાર્યવાહી: ઘરેથી ગાંજાનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો, સાગરીત ફરાર

વડોદરા: શહેરના અકોટા વિસ્તારમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે શહેર SOGએ સફળ કાર્યવાહી હાથ ધરી છે. ગુપ્ત બાતમીના આધારે કરાયેલા દરોડામાં એક શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે તેનો એક સાગરીત હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે.

પોલીસને માહિતી મળી હતી કે અકોટા બ્રિજ નીચે આવેલા નવાવાસ વિસ્તારમાં રહેતો ઝુબેર પટેલ પોતાના રહેણાંક મકાનમાંથી ગાંજાનું વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે SOGની ટીમે મકાન પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી.

દરોડા દરમિયાન પોલીસને 501 ગ્રામ વનસ્પતિ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાના જથ્થા સહિત અન્ય સામગ્રી કબજે કરી કુલ આશરે રૂ. 80 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

કાર્યવાહી બાદ પોલીસે ઝુબેર પટેલની અટકાયત કરી તેની સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પૂછપરછ દરમિયાન ગાંજાનો જથ્થો ક્યાંથી મેળવવામાં આવ્યો હતો અને તેનું વેચાણ કોને કરવામાં આવતું હતું તે અંગેની માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

તપાસમાં ગની શેખ નામના શખ્સની સંડોવણી પણ સામે આવી છે. પોલીસ હાલ તેની શોધખોળ કરી રહી છે અને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

SOG અધિકારીઓના જણાવ્યા અનુસાર, શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરફેર સામે ઝુંબેશ ચાલુ છે. આવા ગુનાઓમાં સંડોવાયેલા લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE