બોલિવૂડ અભિનેતા આમિર ખાન આજકાલ પોતાના ત્રીજા લગ્નને લઈને ભારે ચર્ચામાં છે. આમિરે ગયા વર્ષે પોતાના જન્મદિવસ પર ફેન્સને પોતાની ગર્લફ્રેન્ડનો પરિચય કરાવ્યો હતો. ત્યારપછીથી દરેક ઇવેન્ટમાં ગૌરી તેમની સાથે જોવા મળતી હતી. થોડા દિવસો પહેલા જ તેમણે ખુલાસો કર્યો હતો કે, તેઓ ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજી વખત લગ્ન કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન અભિનેતાના ફેન્સ તેમના લગ્ન સાથે જોડાયેલી વધુ વાતો જાણવા માટે આતુર છે. ફેન્સ જાણવા માંગે છે કે, આમિર ગ્રાન્ડ વેડિંગ કરશે કે સિમ્પલ અને તેમના લગ્નમાં કોણ-કોણ સામેલ થશે. હવે આમિરે પોતે જ પોતાના લગ્ન સાથે જોડાયેલી અપડેટ શેર કરી છે. જે મુજબ તેઓ અને ગૌરી સ્પ્રેટ ખૂબ જ સાદગીથી ખાનગી રીતે લગ્ન કરશે. એટલે કે તેમના લગ્નમાં કોઈ મોટો ભપકો જોવા નહીં મળે.
આમિર ખાન કરશે ત્રીજા લગ્ન
આમિર ખાને ‘ડેક્કન ક્રોનિકલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેઓ અને ગૌરી કોઈ પણ જાતના દેખાડા વિના સાદગીભર્યા અંદાજમાં લગ્ન કરશે. આમિરના જણાવ્યા અનુસાર તેઓ અને ગૌરી રજિસ્ટર્ડ મેરેજ (કોર્ટ મેરેજ) કરશે. આ પહેલા અભિનેતાની પુત્રી આયરા ખાને પણ નૂપુર શિખરે સાથે રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા અને ત્યારબાદ બંનેએ ખ્રિસ્તી રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.
લગ્નને લઈને શું બોલ્યા આમિર ખાન?
પોતાના ત્રીજા લગ્ન વિશે વાત કરતા આમિર ખાને કહ્યું- “અમે એક સાધારણ રજિસ્ટર્ડ મેરેજ કરીશું. જેમાં અમારા બંનેના પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો જ સામેલ થશે. અમે આ પ્રસંગને ખૂબ જ સિમ્પલ રાખવા માંગીએ છીએ.” એટલે કે આમિરે સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ અને ગૌરી કોઈ પણ ધામધૂમ કે ભવ્ય સેલિબ્રેશન વિના લગ્ન કરશે. જેમાં બંને પરિવારના નજીકના લોકો જ હાજર રહેશે. લગ્નનો આ કાર્યક્રમ ઘરે જ રાખવામાં આવશે. અને હાલમાં કોઈ મોટા જશનનું પ્લાનિંગ નથી.
ક્યારે થશે લગ્ન?
અહેવાલો અનુસાર, આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ 5 જુલાઈએ લગ્ન કરવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ગૌરી આમિર કરતા 14 વર્ષ નાની છે. અને એક બાળકની માતા પણ છે. બીજી તરફ આમિરની વાત કરીએ તો તેઓ અગાઉ બે લગ્ન કરી ચૂક્યા છે. તેમણે 1986માં રીના દત્તા સાથે પહેલા લગ્ન કર્યા હતા. અને 2005માં કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા હતા. બંને પત્નીઓ સાથે તેમણે એક દાયકા કરતા વધુ સમય વિતાવ્યો અને પછી છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો. પહેલી પત્નીથી આમિરને બે સંતાનો આયરા ખાન અને જુનૈદ ખાન છે. જ્યારે બીજી પત્નીથી એક પુત્ર આઝાદ ખાન છે.
Post Views: 0











