દેશની રાજધાની દિલ્હીમાં સેલિબ્રિટીઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. પંજાબના સુપ્રસિદ્ધ સિંગર ગુરુ રંધાવા જે જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા, તેની બિલકુલ બહાર અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કરતા ભારે સનસનાટી મચી ગઈ છે. આ હુમલાના પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ અને ભયનો માહોલ સર્જાયો છે. જેના કારણે દિલ્હી પોલીસે હાઈએલર્ટ જાહેર કરી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે.
‘આ તો માત્ર ટ્રેલર છે‘: સલમાન ખાન સાથેની નિકટતા પડી ભારે!
આ હાઈપ્રોફાઈલ ગોળીબારની ઘટના પાછળ કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટ અને ઓડિયો ક્લિપ દ્વારા આ હુમલાની સત્તાવાર જવાબદારી સ્વીકારવામાં આવી છે. વાયરલ ઓડિયોમાં ગેંગના સભ્યનો ચોંકાવનારો દાવો છે કે, બોલિવૂડ અભિનેતા સલમાન ખાન સાથેના ગાઢ સંબંધોના કારણે જ ગુરુ રંધાવાને નિશાન બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, લોરેન્સ ગેંગે આ ઘટનાને માત્ર એક ‘ટ્રેલર’ ગણાવીને ભવિષ્યમાં આનાથી પણ મોટા હુમલા કરવાની ખુલ્લી ધમકી આપી છે.
દિલ્હી પોલીસ એક્શન મોડમાં: CCTV ફૂટેજ કબજે કર્યા
ઘટનાની ગંભીરતાને જોતા દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે જીમની આસપાસના તમામ સીસીટીવી (CCTV) ફૂટેજ કબજે કરીને હુમલાખોરોની ઓળખ મેળવવાની કવાયત તેજ કરી છે. આ સાથે જ ઘટનાના પ્રત્યક્ષદર્શીઓ અને જીમ સ્ટાફના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
ઓડિયો ક્લિપની ફોરેન્સિક તપાસ, ગુરુ રંધાવાની સુરક્ષા વધી
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ધમકીભરી પોસ્ટ અને ઓડિયો ક્લિપ ખરેખર લોરેન્સ બિશ્નોઈ ગેંગની જ છે કે પછી કોઈ તત્વોએ ગેંગના નામનો દુરુપયોગ કરીને દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. સત્યતા ચકાસવા માટે ઓડિયો ક્લિપને તાત્કાલિક ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવી છે. અગમચેતીના ભાગરૂપે સિંગર ગુરુ રંધાવાની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે અને શૂટર્સને દબોચી લેવા માટે પોલીસની અલગ-અલગ સ્પેશિયલ ટીમો દરોડા પાડી રહી છે. આ ઘટનાએ મહાનગરોમાં વધતી જતી ગેંગવોર અને સેલિબ્રિટીઓ પરના જોખમને ફરી એકવાર ચર્ચાના એરણે લાવી દીધું છે.
Post Views: 0











