પાવીજેતપુરના વનકુટિરથી ચલામલી રોડના કામમાં ભ્રષ્ટાચારની આશંકા: કોંગ્રેસે લગાવ્યા ગંભીર આક્ષેપ

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર વિસ્તારમાં આવેલા વનકુટિરથી ચલામલી રોડની કામગીરી છેલ્લા ઘણા સમયથી અત્યંત મંદ ગતિએ ચાલી રહી છે. આ ધીમી કામગીરીને કારણે રોડ પરથી રોજિંદા પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રસ્તા પર ઉડતી ધૂળ, મોટા ખાડાઓ અને અવરજવર દરમિયાન સર્જાતી મુશ્કેલીઓથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ચોમાસાની આડમાં હલકી કક્ષાના મટીરિયલનો વપરાશ થતો હોવાનો કોંગ્રેસનો દાવો

હવે જ્યારે ચોમાસું નજીક આવી રહ્યું છે. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરી ઉતાવળે પૂર્ણ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ ઉતાવળની આડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની આશંકા વ્યક્ત કરતા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ, રોડના નિર્માણમાં અત્યંત હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે. અને તેઓએ રોડની ટકાઉક્ષમતા તેમજ ગુણવત્તા સામે સીધા સવાલો ઉઠાવ્યા છે.

કોંગ્રેસ આગેવાનોનો આક્રોશ: “જો આ રોડ યોગ્ય ગુણવત્તા સાથે બનાવવામાં નહીં આવે, તો આગામી વરસાદી મોસમમાં આખો રોડ ટૂંકા સમયમાં જ ધોવાઈ જશે. આનાથી જનતાના ટેક્સના સરકારી નાણાંનો રીતસર વેડફાટ થશે.”

તંત્ર તાત્કાલિક તપાસ કરે તેવી સ્થાનિકોની માંગ

રોડની બિસ્માર હાલત અને ભ્રષ્ટાચારની આશંકાઓને પગલે સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. રહીશોએ માંગ કરી છે કે, જવાબદાર સરકારી તંત્ર દ્વારા આ રોડની કામગીરીની તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે અને નિયમોનુસાર ગુણવત્તાયુક્ત રોડ બનાવવામાં આવે જેથી સરકારી નાણાંનો વ્યય અટકે અને લોકોને કાયમી સુવિધા મળે.

રીપોર્ટર : અંજુમ ખત્રી, છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE