બોડેલીમાં મુસ્લિમ ખત્રી બાવીસી સમાજનો દબદબો: ધો. 10 માં જિલ્લાના ટોપર્સ સહિત 318 તેજસ્વી તારલાઓનું ભવ્ય સન્માન

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં મુસ્લિમ ખત્રી બાવીસી સમાજ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપતો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને શિક્ષણ ક્ષેત્રે વધુ આગળ વધારવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં 318 જેટલા વિદ્યાર્થીઓનું એવોર્ડ, ગિફ્ટ અને પ્રોત્સાહક રકમ આપી સન્માન કરવામાં આવ્યું હતું.સમાજના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને દેશ અને દુનિયામાં સમાજનું નામ રોશન કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.બોડેલીના ખત્રી વિદ્યાલય ગ્રાઉન્ડ ખાતે બોડેલી મુસ્લિમ ખત્રી બાવીસી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, વાલીઓ, યુવાઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આજના સ્પર્ધાત્મક યુગમાં શિક્ષણ ખૂબ જ જરૂરી બન્યું છે. સમાજના દીકરા દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી ડોક્ટર, એન્જિનિયર, વકીલ, સરકારી અધિકારી, કોર્પોરેટ જગત તેમજ અન્ય ક્ષેત્રોમાં આગળ વધી શકે તે માટે સમાજ દ્વારા સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.કાર્યક્રમ દરમિયાન ધોરણ 1 થી 10 અને 12માં ઉત્તમ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓ ઉપરાંત વિવિધ કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તેમજ ડિગ્રી પ્રાપ્ત કરેલા સમાજના કુલ 318 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓને એવોર્ડ, મોમેન્ટો, ગિફ્ટ અને પ્રોત્સાહક રકમ આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.

સમાજના આગેવાનો અનુસાર છેલ્લા 15 વર્ષ દરમિયાન મુસ્લિમ ખત્રી બાવીસી સમાજે શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારી પ્રગતિ કરી છે. સમાજના અનેક યુવક યુવતીઓ આજે મોટી સંખ્યામાં ડોક્ટર, વકીલ, એન્જિનિયર, મામલતદાર તેમજ વિવિધ જવાબદાર હોદ્દાઓ પર રહી દેશસેવા આપી રહ્યા છે.છેલ્લા કેટલાક વર્ષોથી છોટાઉદેપુર જિલ્લામાં ધોરણ 10 અને 12ના પરિણામોમાં પણ ખત્રી સમાજના વિદ્યાર્થીઓ સતત શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરી રહ્યા છે. જેના કારણે સમગ્ર જિલ્લામાં સમાજની એક આગવી ઓળખ ઉભી થઈ છે.

છોટાઉદેપુર જિલ્લામા આ વર્ષે ધોરણ 10ના પરિણામોમાં ખત્રી ખદીજાબેન મોહંમદ તૈયબે 97.83 ટકા અને 99.97 પર્સન્ટાઇલ સાથે જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવી સમાજનું ગૌરવ વધાર્યું હતું. જ્યારે ખત્રી રઈસાબાનુ મહંમદ જમીલ બહાધરજી વાલાએ 97.33 ટકા અને 99.92 પર્સન્ટાઇલ સાથે જિલ્લામા ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો. તેમજ ખત્રી ખદીજા મોહંમદ હુસેન ઝમઝમવાલાએ પણ 97.33 ટકા અને 99.92 પર્સન્ટાઇલ મેળવી જિલ્લામાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. ખત્રી સબનમબાનુ મહંમદ આરીફે 95.33 ટકા મેળવી સમાજનું નામ રોશન કર્યું હતું.

સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની આ સફળતા પાછળ બોડેલીની ખત્રી વિદ્યાલય, શેઠ એચ.એચ. શિરોલાવાલા હાઈસ્કૂલ સહિતની શાળાઓના શિક્ષકોની મહેનત અને માર્ગદર્શનનો પણ મહત્વનો ફાળો રહ્યો છે.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાર અને સમાજસેવા તરફ પણ પ્રેરિત કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE