“મેદાન ગજવ્યા બાદ હવે માલિકીમાં ‘ધ વોલ’ની એન્ટ્રી: રાહુલ દ્રવિડે ખરીદી આયર્લેન્ડની T20 ટીમ”

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કોચ રાહુલ દ્રવિડે મેદાન પર શાનદાર પ્રદર્શન કર્યા બાદ હવે એક નવી ભૂમિકામાં પ્રવેશ કર્યો છે. ખેલાડી તરીકે અગણિત રન બનાવનાર અને કોચ તરીકે ભારતને 2024 T20 વર્લ્ડ કપ જીતાડનાર દ્રવિડે હવે આયર્લેન્ડમાં યોજાનારી ‘યુરોપિયન T20 પ્રીમિયર લીગ’ (ETPL) માં ટીમ ખરીદી છે. તેઓ એક ભારતીય કંપનીના ભાગ રૂપે ‘ડબલિન ગાર્ડિયન્સ’ ટીમના કો-ઓનર (સહ-માલિક) બન્યા છે. આ ટીમની કપ્તાની ભારતનો સ્ટાર સ્પિનર આર.અશ્વિન સંભાળશે. જે ચાહકો માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે.

વિશ્વના દિગ્ગજ ખેલાડીઓ બન્યા ફ્રેન્ચાઈઝી માલિક આ લીગમાં માત્ર રાહુલ દ્રવિડ જ નહીં, પરંતુ વિશ્વના અન્ય ઘણા દિગ્ગજ ખેલાડીઓએ પણ ટીમોમાં રોકાણ કર્યું છે. બેલફાસ્ટ ફ્રેન્ચાઈઝીને ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે ખરીદી છે. જ્યારે એડિનબર્ગ ફ્રેન્ચાઈઝી કાઈલ મિલ્સ અને નાથન મેક્કુલમ જેવા ખેલાડીઓની માલિકીની છે. ગ્લાસગો ટીમમાં ક્રિસ ગેલ અને વિપુલ અગ્રવાલ ભાગીદાર છે. જ્યારે એમ્સ્ટરડેમ ફ્રેન્ચાઈઝી સ્ટીવ વો જેવા દિગ્ગજની છે. આ ઉપરાંત, રોટરડેમ ટીમમાં જોન્ટી રોડ્સ અને ફાફ ડુ પ્લેસિસ જેવા મોટા નામો માલિક તરીકે જોડાયેલા છે. જે આ લીગને ગ્લેમરસ અને સ્પર્ધાત્મક બનાવશે.

અભિષેક બચ્ચન અને ભારતીય કંપનીનું સંયુક્ત સાહસ આ રસપ્રદ ક્રિકેટ લીગની શરૂઆત બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન દ્વારા કરવામાં આવી રહી છે. તેઓ ભારતીય કંપની ‘રૂલ્સ સ્પોર્ટ્સ ટેક’ સાથે મળીને આ લીગનું સંચાલન કરશે. આ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમો ભાગ લેવાની છે અને આયર્લેન્ડ, સ્કોટલેન્ડ તેમજ નેધરલેન્ડના ક્રિકેટ બોર્ડ આ આયોજનમાં સહયોગ આપી રહ્યા છે. આ પ્રકારનું મોટું આયોજન યુરોપિયન ક્રિકેટના પ્રચાર અને પ્રસાર માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

સમયપત્રક અને આયોજનની વિગતો યુરોપિયન T20 પ્રીમિયર લીગનું આયોજન 26 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટની તમામ મેચો હેગ અને ડબલિનના મેદાન પર રમાશે. વિશ્વભરના સ્ટાર ખેલાડીઓ આ લીગમાં રમવા માટે ઉત્સાહિત છે અને ક્રિકેટ પ્રેમીઓ પણ રાહુલ દ્રવિડ તથા અન્ય દિગ્ગજોની ટીમો વચ્ચેની ટક્કર જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ લીગ દ્વારા યુરોપમાં ક્રિકેટની લોકપ્રિયતામાં મોટો ઉછાળો આવવાની અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE