સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારનો ધમધમાટ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ની બોડેલીમા સભા

છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.આ દરમિયાન બોડેલી ખાતે યોજાયેલી ભાજપની વિકાસ સંકલ્પ યાત્રાની જાહેર સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી ચૂંટણી પ્રચારનો શુભારંભ કર્યો.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ જિલ્લામાં પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે. પ્રચારના પ્રથમ જ દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બોડેલી ખાતે પહોંચ્યા હતા અને ભાજપની જાહેર સભાને સંબોધી હતી.

બોડેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 6 ઉમેદવારો બિનહરીફ જાહેર થતા  તમામ ઉમેદવારોને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ  શુભેચ્છાઓ પાઠવી હતી.!!

બોડેલી ખાતે ભાજપ કાર્યાલય પાસે યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો, હોદ્દેદારો અને જનમેદની ઉપસ્થિત રહી હતી.જિલ્લા પંચાયતની 32 બેઠકો તેમજ સાત તાલુકા પંચાયતની કુલ 150 બેઠકો પર વિજય મેળવવા ભાજપ દ્વારા વ્યાપક પ્રચાર અભિયાન હાથ ધરાયું છે. જિલ્લા ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને કાર્યકરો સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતર્યા છે.

સાથે જ જિલ્લામાં ભાજપમાં ઊભી થયેલી જૂથબંધીને કાબૂમાં લેવા માટે નાયબ મુખ્યમંત્રી ખુદ સક્રિય બન્યા હોવાની ચર્ચાઓ પણ તેજ બની છે.

કાળઝાળ ગરમી હોવા છતાં મોટી સંખ્યામાં ભાજપ સમર્થક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,

“આટલી ભારે ગરમીમાં પણ મોટી સંખ્યામાં હાજરી આપનાર તમામ કાર્યકરોને હું હાથ જોડીને નમન કરું છું અને તેમનો આભાર વ્યક્ત કરું છું.”

તેમણે વધુમાં જણાવ્યું કે આદિવાસી સમાજને ભ્રમિત કરવા અનેક પાર્ટીઓ મેદાનમાં ઉતરી છે અને લોકો એવાં તત્વોથી સાવચેત રહેવાની જરૂર છે.

હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આક્ષેપ કરતાં જણાવ્યું કે વર્ષો સુધી આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવામાં આવ્યો હતો, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગામે ગામ શિક્ષણ અને વિકાસના કામો થયા છે.

કાર્યક્રમ દરમિયાન AAP અને કોંગ્રેસ સાથે જોડાયેલા કેટલાક કાર્યકરો પણ નાયબ મુખ્યમંત્રીના હસ્તે ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા હતા.

આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ગીતાબેન રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, તેમજ ધારાસભ્યો અભેસિંહ તડવી, રાજેન્દ્રસિંહ રાઠવા અને જયંતીભાઈ રાઠવા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર :અંજુમ ખત્રી, છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE