રાજકોટ મ્યુનિ. કમિશ્નર દેવાંગ દેસાઇએ ચાલુ વરસાદે રોડ પર ખાડામાં ચાલીને લોક સમસ્યા ચકાસી
અધિકારીઓને પણ દોડાવ્યા : લોકો ફરિયાદ કરે તેની રાહ ન જુઓ, સીધા પાણીના નિકાલ માટે પહોંચો : પૂર્વ ઝોનની સમીક્ષા માટે કોઠારીયા રોડ પર પહોંચ્યા
ડે.કમિશ્નર-ઇજનેરોને લઇને કંટ્રોલ રૂમમાં મુકામ : સીસીટીવી કેમેરા માંથી વિસ્તારોની હાલત નિહાળી. રાજકોટમાં બે દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે કમિશ્નર દેવાંગ દેસાઇ પણ અધિકારીઓની ટીમ સાથે સતત ફિલ્ડમાં જ રહ્યા છે. ગત શનિવારે કંટ્રોલ રૂમમાંથી મોનીટરીંગ કરવા સાથે અધિકારીઓની નાગરિકોની ફરિયાદની રાહ જોયા વગર રેડ અને યેલો ઝોનમાં પાણીના નિકાલની કામગીરી માટે દોડવા સૂચના આપી હતી તો આજે સામાકાંઠે પૂર્વ ઝોનમાં જુદા જુદા વિસ્તારમાં પાણી નિકાલની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. આજે પૂર્વ ઝોનમાં વરસાદ વખતે સૌથી વધુ હેરાન થતા કોઠારીયાના રિધ્ધિ સિધ્ધિ નાલા, દૂધસાગર રોડ પર ભરાતા પાણીનું નિરીક્ષણ પગે ચાલીને કમિશ્નરે કર્યુ હતું. લોકોની આવી કાયમી સમસ્યાનો અનુભવ મોટરમાં બેસીને નહીં પરંતુ રસ્તા પર ચાલીને જ થઇ શકે તેવી અનુભૂતિ કમિશ્નરે કાયમ મોટરમાં જ બેસીને સમસ્યાનો ઉકેલ લાવતા અધિકારીઓને પણ કરાવી હતી.
રિધ્ધિ સિધ્ધિ નાલાથી કમિશ્નર પગપાળા ખાડાઓમાંથી પસાર થયા હતા. કમિશ્નર અને અધિકારીઓએ ઈસ્ટ ઝોનમાં વોંકળા સફાઈ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અંગે નિરીક્ષણ કર્યું હતું. દેવાંગ દેસાઈએ આજે આજી જી.આઈ.ડી.સી. ખાતે આવેલ વોંકળાની મુલાકાત કરી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અંગે નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત દૂધસાગર રોડ ફારૂકી મસ્જીદ પાસે અને ભગવતીપરા ખાતે વોટર લોગીંગની સ્થિતિમાં પાણીના નિકાલ માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરાવી હતી. ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં.18માં આવેલ રિદ્ધિ સિદ્ધિના નાલે પણ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને સફાઈ અંગે નિરીક્ષણ કર્યું હતું. આજે ચાલુ વરસાદ દરમ્યાન ડે.કમિશ્નર સ્વપ્નિલ ખરે અને ચેતન નંદાણી, સિટી એન્જિનિયરો વગેરે અધિકારીઓએ વિવિધ વિસ્તારોમાં જઈને વરસાદી પાણીના નિકાલની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાતમાં સિટી એન્જી. અઢીયા, ના. પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, ડી.ઇ.ઇ. અંબેશ દવે, નિકેશ મકવાણા અને બોરણીયાભાઈ હાજર રહ્યા હતા.
મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈએ શનિવારે 150 ફૂટ રિંગ રોડ પર ઉમિયા ચોક સહિતના વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઉપરાંત તેમને નાનામવા ચોક ખાતે સ્થિત આઇસીસીસી (ઇન્ટીગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ખાતે બેસી સીસીટીવી કેમેરાના માધ્યમથી શહેરના વિવિધ વિસ્તારોની પરિસ્થિતિ ઉપર પણ ચાંપતી નજર રાખી હતી. રેડ અને યલ્લો ઝોન હેઠળના વિસ્તારોમાં જો વરસાદી પાણી ભરાયાનું જાણમાં આવે તો નાગરિકોની ફરિયાદ આવે તેની વાટ જોયા વગર તુર્ત જ પાણીના નિકાલ માટેની કામગીરી આગળ ધપાવવા કમિશનર સૂચના આપી હતી. આ ઉપરાંત ચાલુ વરસાદ દરમિયાન તેમજ વરસાદ બંધ થાય ત્યારબાદ પણ વરસાદી પાણીના નિકાલ માટે હાથ ધરવાની થતી કામગીરી ઝડપભેર થાય તે સુનિશ્ચિત કરવા આપેલા આદેશ મુજબ જ ચાલુ વરસાદ દરમ્યાન તેમજ વરસાદ બંધ થયા બાદ પણ જુદાજુદા વિસ્તારોમાં સ્ટોર્મ વોટરના નિકાલ માટેની જાળીઓમાં પાણીનો પ્રવાહ અવરોધાય નહીં તે મુજબ કામગીરી કરવામાં આવી હતી.
સીસીટીવી કેમેરાના માધ્યમથી શહેરના જુદાજુદા એરિયામાં વરસાદ દરમિયાન અને વરસાદ બંધ થયા પછીની પરિસ્થિતિ કેવી છે અને જે તે સ્થળે કેવી કામગીરી કરવાની આવશ્યકતા છે તેનું સતત નિરીક્ષણ કરતા રહેવા અધિકારીઓને સૂચના આપી હતી. તેમજ આ કંટ્રોલ ખાતેથી ઉપલબ્ધ થતી આ પ્રકારની માહિતી સત્વરે જે તે વોર્ડના ડે. એન્જિનિયરને પહોંચાડી જે તે સ્થળ ખાતે હાથ ધરવાની થતી કામગીરી વિના વિલંબે થાય તે સુનિશ્ચિત કરવા તથા શહેરના રેડ અને યલ્લો ઝોન હેઠળના વિસ્તારોની પરિસ્થિતિ પર ખાસ નજર રાખવા સૂચના આપી હતી.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog