મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાય ઓવર બ્રિજ હેડ હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલેે મહાનગરમાં ચાર ફ્લાય ઓવર નિર્માણની મહાનગરપાલિકાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. કુલ રૂ. 185.79 કરોડના અંદાજિત ખર્ચે રાજકોટમાં કટારીયા ચોકડી પર અંડરબ્રિજ અને ફ્લાય ઓવર બ્રિજના ફેઝ-2નું કામ, રૈયા ગામથી સ્માર્ટ સિટીના ડી.પી. રોડ પર વોકળા બ્રિજ નિર્માણ, 150 ફૂટ રીંગ રોડ પર કટારીયા ચોકડીથી સ્માર્ટ સિટી જતા રોડ પર ત્રણ બ્રિજના વાઈડનીંગ કામ તેમજ ખોખળ દળ નદી ઉપર કોઠારીયા તથા લાપાસરીને જોડતા માર્ગ પર હાઇ લેવલ બ્રિજના કામો મંજૂર કર્યા છે. મહાનગરમાં આગામી પાંચેક વર્ષની ટ્રાફિક સમસ્યા સામે અત્યારથી પ્લાનિંગ કરતી મહાપાલિકાએ બજેટમાં કટારીયા ચોકડીએ બ્રીજનું પ્લાનિંગ જોડયું છે. કટારીયા ચોકડી લાંબા સમયથી ટ્રાફિકના દબાણ હેઠળ છે. નવો રીંગ રોડ હાઇવેને પણ જોડે છે. અહીં ટ્રાફિકના સર્વે બાદ બ્રીજની જરૂરીયાત વર્તાઇ હતી. તેના પગલે અહીં ગોંડલ રોડથી માધાપર તરફની કટારીયા ચોકની જગ્યા અંડરબ્રીજ અને કાલાવડ રોડની દિશામાં ભરૂચ અને સિગ્નેચર બ્રીજ જેવો કેબલ ફલાય ઓવરબ્રીજ બનાવવા પ્રાથમિક ડિઝાઇન તૈયાર કરાઇ છે. જેના પરથી સરકાર ગ્રાન્ટ મંજૂર કરશે. આ ડ્રોઇંગ પરથી હવે એસ્ટીમેટ અને ટેન્ડરની પ્રક્રિયા તુરંતમાં શરૂ કરી દેવામાં આવશે તેમ બજેટની યોજનાના રીવ્યુ બાદ સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું. સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરનો દિન પ્રતિદિન અવિરતપણે વિકાસ થઈ રહ્યો છે.
શહેરની હદ વિસ્તારમાં વર્ષ 2020માં માધાપર, મનહરપુર-1, મોટા મૌવા, મુંજકા અને ઘંટેશ્વર એમ પાંચ ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થયેલ છે. શહેરમાં તથા આસપાસના વિસ્તારમાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, એઈમ્સ હોસ્પિટલ, નવી ડીસ્ટ્રીકટ કોર્ટ, ઝનાના હોસ્પિટલ, ખાનગી યુનિવર્સીટીઓ, જી.આઈ.ડી.સી., નવા બસપોર્ટ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ વગેરેની સુવિધાઓ ઉપલબ્ધ થયેલ છે. જેના કારણે આસપાસના નાના શહેરો અને ગામડાઓમાંથી ઘણા પરિવારો ધંધા રોજગાર માટે રાજકોટ શહેરમાં વસવાટ કરવા માટે આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં છેવાડાના વિસ્તારોનાં વિકાસ તેમજ શહેરની વસ્તીમાં વધારાના કારણે, શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળે, વાહનોની અવર જવરમાં સરળતા રહે તેમજ પ્રદૂષણમાં ઘટાડો કરવાના હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરમાં વધુ ચાર સ્થળોએ રૂ.185.79 કરોડના ખર્ચે નવાચાર ઓવરબ્રિજ, અન્ડરબ્રિજનું નિર્માણ કરવા ફેબ્રુઆરી-2024માં રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવામાં આવેલ હતી. આ દરખાસ્તને મંજુરીની મ્હોર આપવામાં આવેલ છે. આ દરખાસ્તને મંજૂરી મળતા મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે. ચેરમેન જયમીન ઠાકર, કમિશનર ડી.પી.દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, બાંધકામ કમિટી ચેરમેન ભાવેશભાઈ દેથરીયાએ ભૂપેન્દ્રભાઈ પટેલના સફળ નેતૃત્વવાળી રાજ્ય સરકારનો આભાર માન્યો છે. રાજ્ય સરકાર દ્વારા અગાઉ પણ ટ્રાફિકથી ધમધમતા મુખ્ય ચોક જેવા કે, નાના મૌવા સર્કલ, કે.કે.વી.ચોક ખાતે મલ્ટી લેવલ ફ્લાયઓવરબ્રિજ (શ્રીરામ બ્રિજ), જડુસ ચોક ખાતે ફ્લાયઓવરબ્રિજ, રામાપીર ચોક ખાતે ફ્લાયઓવરબ્રિજ તેમજ હોસ્પિટલ ચોક ખાતે થ્રી આર્મ ફ્લાયઓવરબ્રિજનું નિર્માણ કરાયું છે તો સરકારના માર્ગ અને મકાન વિભાગ, નેશનલ હાઈવે દ્વારા શહેરના એન્ટ્રી પોઈન્ટ માધાપર ચોકડી ખાતે તેમજ ગોંડલ ચોકડી ખાતે ફ્લાયઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.
શહેરમાં આંતરમાળખાકીય સુવિધાઓ ઉપરાંત રામવન (અર્બન ફોરેસ્ટ), મહાત્મા ગાંધી મ્યુઝીયમ, અટલ સરોવર, રાજકોટ ઝૂઓજીકલ પાર્ક (પ્રદ્યુમન પાર્ક), સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સ્નાનાગાર, ઓડીટોરીયમ, કોમ્યુનિટી હોલ, લાયબ્રેરી, વિધાર્થી વાંચનાલય, શહેરી ટ્રાન્સપોર્ટેશનમાં ઇલેક્ટ્રિક અને સી.એન.જી. ફ્યુઅલ આધારિત બસ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આગામી દિવસોમાં શહેરમાં વધુ એક નવું સિમાચિહ્ન એશિયાટિક લાયન સફારી પાર્કનોપણ ઉમેરો થવા જઈ રહ્યો છે. સ્માર્ટ સીટીના સહિતના પ્રોજેકટથી શહેરની વણથંભી વિકાસ યાત્રા વેગવંતી બની છે. કાલાવડ રોડ પર કટારીયા ચોકડીએ અંડરબ્રીજ સાથે ઓવરબ્રીજની આ પ્રકારની પ્રાથમિક ડિઝાઇન બનાવવામાં આવી છે. રાજકોટમાં આ રીતે બે બ્રીજ બનવાના હોય તેવો પ્રથમ પ્રોજેકટ છે. જે ડિઝાઇન ઉપરની તસ્વીરોમાં જોવા મળે છે. આ પ્રોજેકટ મંજૂર કરવા બદલ પદાધિકારીઓએ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog