૨૪ થી ૨૮ ઓગસ્ટ દરમિયાન યોજાનારા લોકમેળાના ઉદ્ઘાટન, વીમો, સ્ટોલની હરરાજી, રાઈડઝ, સફાઈ, આરોગ્ય, પાર્કિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સી.સી.ટી.વી. કેમેરા વગેરે અંગે વિગતવાર ચર્ચા કરાઈ
આગામી જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે રાજકોટ ખાતે યોજાનાર લોકમેળાના આયોજન અંગેની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ આ બેઠકમાં સલામતીની તમામ બાબતોનું ચુસ્તપણે પાલન કરવાના તથા મેળાના સુચારુ આયોજન માટે બનાવાયેલી તમામ ૧૯ સમિતિઓના અધ્યક્ષોને તેમની કામગીરી પૂર્ણ સજ્જતા સાથે કરવાના આદેશો આપ્યા હતા. અધિક નિવાસી કલેક્ટર ચેતન ગાંધીએ બેઠકની શરૂઆતમાં ઉપસ્થિત તમામ સમિતિઓના સભ્યોને આવકાર્યા હતા. લોક મેળા અમલીકરણ સમિતિના સભ્ય સચિવ અને પ્રાંત અધિકારી ચાંદનીબેન પરમારે પી.પી.ટી.ના માધ્યમથી લોકમેળાના આયોજન અંગેની તમામ બાબતો આ બેઠકમાં રજૂ કરી હતી. આ બેઠકમાં મેળાની રાઈડઝ તથા દુકાનોમાં ૪૦ % ઘટાડો કરી યોગ્ય રીતે ક્રાઉડ મેનેજમેન્ટ કરવા, સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવા, વાસી ખોરાકનો નાશ કરી લોકોના આરોગ્યની જાળવણી કરવા, છાપેલા ભાવ કરતાં વધુ ભાવે ખાદ્ય સામગ્રીનું વેચાણ ન થાય તેનું ધ્યાન રાખવા, કંટ્રોલરૂમ એમ્બ્યુલન્સ ફાયર સેફ્ટી વગેરેની યોગ્ય વ્યવસ્થા કરવા, સરકારી ફિટનેસ સર્ટિફિકેટ મળ્યા બાદ જ રાઈડઝ ચાલુ કરવા, રાત્રે ૧૧.૩૦ વાગ્યે એન્ટ્રી બંધ કરાવવા, એન્ટ્રી એક્ઝિટ તથા ખોવાયેલા બાળકો માટે સી.સી.ટી.વી. કેમેરા લગાવવા, તથા મેળાના ઉદ્ઘાટન તથા પાંચ દિવસ દરમિયાન યોજાનારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, એન.ડી.આર.એફ. અને ડીઝાસ્ટરની ટીમ તૈયાર રાખવા, વગેરે તમામ બાબતો વિશે વિસ્તાર પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે, ડી.સી.પી. જગદીશ બંગારવા, જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રીબેન વંગવાણી, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, પ્રાંત અધિકારી નિશા ચૌધરી અને વિમલ ચક્રવર્તી, સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર બી.એ. અસારી, એ.સી.પી. યાદવ, ગઢવી તથા રાધિકા ભારાઈ, જિલ્લા યુવા વિકાસ અધિકારી દિહોરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી. સિંઘ, તથા લોકમેળા સાથે સંબંધિત તમામ સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD