- અગ્નિકાંડ તપાસનો રેલો પદાધિકારીઓ સુધી પહોંચે તેમ છે ત્યારે શહેર ભાજપે કોર્પોરેટરો માટે એક નવી ગાઇડલાઇન જાહેર કરી !?
- ટીઆરપી ગેમઝોનના બાંધકામને તોડતુ રોકવા કોણે ભલામણ કરી હતી તેની તપાસ વચ્ચે શહેર પ્રમુખે ચૂંટાયેલા લોકોને પત્ર વ્યવહારની સલાહ આપી !?
- લોકોના રોજબરોજના કામોની ઉઘરાણી માટે પત્ર વ્યવહારની ફાઇલો બનાવવા સૂચના
- નગરસેવકો ‘આડીઅવળી’ ભલામણ કરતા અચકાશે : બંને પાંખ વચ્ચેના વહીવટને પારદર્શક રાખવાનો હેતુ
શહેરના નાના મવા રોડ પર આવેલ ટીઆરપી ગેમઝોનમાં એક મહિના પહેલા લાગેલી આગની ઘટનાના પડઘા શાસકો સુધી પડયા છે ત્યારે આ પ્રકારના અનેક બાંધકામ, ધંધાદારી પ્રવૃત્તિ, સાચી અને ખોટી ભલામણો બદલ રાજકીય લોકો પર તડાપીટ બોલી રહી છે. તપાસનો રેલો ચૂંટાયેલા લોકો સુધી પણ પહોંચે તેમ છે ત્યારે શહેર ભાજપે કોર્પોરેટરો માટે એક નવી ગાઇડલાઇન જાહેર કરી છે. લોકોના કામ માટે જે તે ઝોનના સીટી ઇજનેર, ડે.કમિશ્નર અથવા કમિશ્નરને પત્ર લખીને જ કામ કરાવવાની સૂચના ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જાહેર કરીને તમામ 68 નગરસેવકોને પત્ર લખી નાંખ્યા છે. ભાજપ પ્રમુખે હાજર કોર્પોરેટરોને રૂબરૂ અને અન્ય કોર્પોરેટરોને મેસેજથી આ લેટર પહોંચાડયા છે જેમાં પત્ર વ્યવહારનો રેકોર્ડ ઉભો કરવા પણ જણાવ્યું છે. આ વ્યવસ્થા સફળ થાય તો કોઇ પણ કામમાં કોર્પોરેટરની ભલામણ છે કે નહીં, કામ યોગ્ય છે કે નહીં, જો કામ જરૂરી હોવા છતાં ઢીલમાં પડે તો તેનો પણ રેકોર્ડ રહે તેવી વ્યવસ્થા કાયમી ધોરણે લાગુ કરવા પક્ષની તૈયારી છે.
પ્રમુખે કોર્પોરેટરોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે પ્રજાના કામો માટે તમારા લગત ઝોનમાં આવતા સીટી એન્જીનીયર અથવા નાયબ મ્યુનિ. કમિશ્નર અથવા કમિશ્નરને પત્ર લખીને કામ કરાવવાનો આગ્રહ રાખવો જેથી ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલ પત્ર વ્યવહારની નોંધ મહાપાલિકામાં રહેશે. આ પત્રની એક નકલ કોર્પોરેટરે પોતે પણ રાખવી જેનાથી ભવિષ્યમાં રેકોર્ડ ડેટાબેઝ તરીકે આ પત્ર કામ આવશે. પ્રજાના નાના મોટા કામો, અન્ય નાની મોટી ભલામણોમાં અવારનવાર કોનું હિત છે તે સવાલ ઉઠતો રહે છે. ગેમઝોન અગ્નિકાંડની તપાસમાં સરકાર પણ કોની ભલામણ હતી તેની તપાસ કરાવી રહી છે. આથી હવે રોજિંદા કામો માટે પણ લેખિતમાં પત્ર વ્યવહાર કરવામાં આવે તો બધા માટે સારૂ રહેશે તેવું ઘણા લોકો કહી રહ્યા છે. એક તો પત્ર પર વિગત લેવાની હોય, કોર્પોરેટરો ન થઇ શકે તેવા કામની ભલામણ કરતા વિચાર કરશે. જો જરૂરી હોય તો પોતાની જવાબદારીએ કામ કરવા આગ્રહ કરશે. વધુમાં જો અનિવાર્ય અને તાત્કાલીક કરવા જેવું કામ જો અધિકારી વિલંબમાં રાખે તો તારીખ સાથેનો રજુઆત અને ફરિયાદનો રેકોર્ડ રહેશેે.
આથી અધિકારીઓની જવાબદારી પણ ફિકસ થશે. આ વ્યવસ્થાના કેટલા ફાયદા અને કેટલા નુકસાન તે તો સમય જ બતાવશે. કારણ કે ઘણા કોર્પોરેટર તો પ્રજાની ફરિયાદ પણ લેખિતમાં પહોંચાડે જ છે. છતાં તત્કાલ નિકાલ આવતા નથી. વળી અમુક સામન્ય કામો માટે પણ અધિકારીઓ પત્રનો આગ્રહ રાખશે તો ત્યારે વિવાદ થવાની પણ શકયતા રહેશે. ખાસ કરીને ટીપી શાખાની કામગીરી વચ્ચે કરવામાં આવતી ભલામણો હવે કઇ રીતે થશે તે પ્રશ્ર્ન છે. ગેરકાયદે બાંધકામની ફરિયાદ લેખિતમાં મળ્યા બાદ અધિકારી ફિકસ થશે. તો અમુક વખત નજરે દેખાતા ગેરકાયદે બાંધકામ અંગે પણ અધિકારી લેખિત ફરિયાદ બાદ જ કાર્યવાહી કરશું તેવું કહી દેશે તો શું થશે તે સવાલ છે. આવી તમામ બાબતો આરોગ્ય, ફુડ, સફાઇ, ખાડાવાળી બાંધકામ શાખામાં પણ લાગુ પડશે.
‘ફરિયાદ લખીને આપો’ : અધિકારીઓ હવે કોઇ જોખમ માથે લેવા માંગતા નથી
દબાણ નહીં ચાલે પરંતુ તંત્ર વાહકો પણ પ્રમાણિકતાથી કામ કરશે ને?
ટીઆરપી ગેમ ઝોનમાં ગેરકાયદે બાંધકામનું ડીમોલીશન નહીં કરવા કોણે ભલામણ કરી હતી તેની તપાસ હજુ ચાલી રહી છે ત્યારે નવનિર્માણ પામેલી ટીપી સહિતની શાખાઓમાં હવે અનેક જરૂરી અને બિનજરૂરી સુચનાઓ, ભલામણોમાં અનેક અધિકારીઓ ચૂંટાયેલા લોકોથી માંડી રાજકીય પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોને આવી કોઇ પણ ભલામણ લેખિતમાં આપવા જવાબ દેવા લાગ્યા છે. આમ તો એકાદ મહિનાથી ચૂંટાયેલા લોકો, હોદ્દેદારો કોઇ આગ્રહભર્યા કામ માટે તંત્ર પર બહુ દબાણ કરતા નથી પરંતુ રોજબરોજના લોકોના કામ માટે ઉઘરાણી કરવી તો ચૂંટાયેલા લોકોનો અધિકાર છે. હવે અમુક કામમાં અધિકારીઓ કાંડા કાપીને આપી દેવા તૈયાર થતા નથી અને બહુ જરૂરી હોય તો લેખિતમાં સૂચના આપવા કહે છે. જે રીતે ચૂંટાયેલી પાંખને જવાબ આપવામાં આવે છે તે જ રીતે વિભાગના વડાઓ અને ઉચ્ચ અધિકારીઓ પાસે પણ લેખિતમાં સૂચના માંગવાની સલાહ કર્મચારીઓને મળી રહી છે. આ સંજોગોમાં ટીપી સહિતની જે શાખાની રોજિંદી જવાબદારી છે તે ગેરકાયદે બાંધકામને નોટીસ આપવાથી માંડીને તોડવા સહિતની જવાબદારી તો અધિકારીઓ ઇમાનદારીથી નિભાવશે ને તેવો સવાલ શાસક પક્ષમાં પૂછાવા લાગ્યો છે. આવા અનેક કેસમાં ચૂંટાયેલા લોકો ભલામણ કરે છે પરંતુ ટીપીના અનેક અધિકારી અને કર્મચારી ભુતકાળમાં આવી નોટીસ આપીને શું ધંધો કરતા હતા તેની તપાસ સીટ પણ કરી રહી છે. આથી હવે આવી કામગીરીમાં કોના પર ભરોસો રાખવો તેની મોટી જવાબદારી ઉચ્ચ સત્તાધીશો પર આવી ગઇ છે.