ટી-20 વર્લ્ડ કપની સુપર 8 મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. સેન્ટ લૂસિયામાં રમાયેલી મેચમાં રોહિત શર્મા અને કુલદીપ યાદવે કમાલનું પ્રદર્શન કર્યું હતું અને આ સાથે જ ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી ગઈ હતી.
ટી-20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાની જીતનો સિલસિલો જારી છે. ભારતીય ટીમે સેન્ટ લૂસિયા મેદાન પર પણ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 205 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ લક્ષ્યને હાંસલ કરી શકી ન હતી. ઓસ્ટ્રેલિયાએ 181 રન બનાવ્યા હતા અને 24 રનથી મેચ હારી ગઈ હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે તારીખ 27મી જુને રમાનારી સેમિ ફાઈનલમાં ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે. આ મેચ ગુયાનાના મેદાન પર રમાશે.
રોહિત-કુલદીપ યાદવે નક્કી કરી જીત
તેણે 41 બોલમાં 92 રન બનાવ્યા હતા. ભારતીય કેપ્ટને પોતાની ઈનિંગમાં 8 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. રોહિત ઉપરાંત કુલદીપ યાદવ પણ જીતનો હીરો હતો. કુલદીપ યાદવે 4 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. કુલદીપે મિચેલ માર્શ અને ગ્લેન મેક્સવેલની વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહે બોલિંગમાં 3 વિકેટ લીધી હતી. બુમરાહ અને અક્ષર પટેલને 1-1 વિકેટ મળી હતી.
કેવી રીતે જીતી ટીમ ઇન્ડિયા?
ભારતીય ટીમ ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરી હતી. શરૂઆત નબળી રહી હતી, વિરાટ કોહલી શૂન્ય પર આઉટ થયો હતો. પરંતુ કેપ્ટન રોહિત શર્મા એક અલગ જ મૂડમાં હતો. રોહિતે શાનદાર બેટિંગ કરી અને મિશેલ સ્ટાર્કની ઓવરમાં 4 સિક્સર ફટકારી હતી. તેણે પોતાની અડધી સદી માત્ર 19 બોલમાં પૂરી કરી હતી. અડધી સદી પુરી કર્યા બાદ તે વધુ ખતરનાક બની ગયો હતો અને તેણે રિષભ પંત સાથે 38 બોલમાં 87 રનની ભાગીદારી કરી હતી.
રોહિતની ઝંઝાવાતી હિટિંગને આધારે ટીમ ઈન્ડિયાએ 10 ઓવરમાં 114 રન બનાવ્યા હતા અને આ જ કારણે ટીમ ઈન્ડિયાએ 200થી વધુ રન બનાવ્યા હતા. જોકે રોહિત શર્મા પોતાની સદી સુધી પહોંચી શક્યો નહતો અને તે સદીથી 8 રન દૂર રહ્યો હતો. રોહિત શર્મા સિવાય સૂર્યકુમાર યાદવે 16 બોલમાં 31 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ 28 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા 27 રને અણનમ રહ્યો હતો.
ઓસ્ટ્રેલિયાની હાર
ઓસ્ટ્રેલિયાની શરુઆત પણ કંગાળ રહી હતી. ડેવિડ વોર્નર માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી કેપ્ટન મિચેલ માર્શ અને ટ્રેવિસ હેડની જોડીએ કમાલની ભાગીદારી કરતાં ભારતને બેકફૂટ પર ધકેલી દીધું હતુ. ટ્રેવિસ હેડે 43 બોલમાં 76 અને મિચેલ માર્શે 28 બોલમાં 37 રન ફટકાર્યા હતા. બંનેએ 81 રનની ભાગીદારી કરી હતી. ગ્લેન મેક્સવેલે 20 રન બનાવ્યા હતા. સ્ટોનિસ માત્ર 2 રન જ બનાવી શક્યો હતો. ટિમ ડેવિડે 15 રનનું યોગદાન આપ્યું હતું.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD