રાજકોટને 24 કલાક પાણી મળવાની આકાશી યોજના પર મનપાનું પાણીઢોળ
સૌની યોજનાના સહારે માંડ 20 મીનીટ પાણી આપતી મનપા પાણીમાં બેઠી
મહાનગરમાં મીટરથી પાણી વિતરણ હાલ શકય જ નથી તો વધુ ખર્ચ શા માટે? સ્ટે.ચેરમેન જયમીન ઠાકરનો હિંમતભર્યો નિર્ણય
ચંદ્રેશનગર ઝોનના મીટરની જાળવણી માટે 58 લાખના ખર્ચની દરખાસ્ત કરતા શાસકોએ ફગાવી દીધીમલ્ટીલેવલ પાર્કિંગ પણ નામંજૂર. 2018માં પાયલોટ પ્રોજેકટ હેઠળ નળ પર 14000 મીટર બેસાડવા રૂા. 6 કરોડનો ખર્ચ !! 2010માં સર્વેશ્વર ચોકમાં મલ્ટીલેવલ પાર્કિંગના તૈયાર કરેલા દોઢ દાયકા જુના પ્રોજેકટને શાસકોએ જ ટોઇંગ કરી લીધો
લોકસભાની ચૂંટણી આચારસંહિતા પુરી થયા બાદ આજે ત્રણ મહિને મળેલી સ્ટે.કમીટીની મીટીંગમાં ચેરમેન જયમીન ઠાકરે કેટલાક મહત્વના અને બોલ્ડ નિર્ણયો કર્યા છે. રાજકોટમાં 2010ના વર્ષમાં સર્વેશ્વર ચોકમાં મલ્ટીલેવલ પાર્કિંગનો બનાવવામાં આવેલો પ્લાન આજે સ્થાયી સમિતિએ નામંજૂર કરી દીધો છે. તો છ વર્ષ પહેલા રાજકોટમાં 24 કલાક પાણી આપવા માટે બનાવવામાં આવેલી મીટરથી પાણી આપવાની યોજના ઉપર પણ વાસ્તવિકતા સ્વીકારીને પાણીઢોળ કરવાનો નિર્ણય લેવો પડયો છે. 2018ના વર્ષમાં 6 કરોડ જેટલો ખર્ચ થઇ ગયો હોય, હવે યોજના આગળ વધારવી શકય ન હોય, વર્ષે અર્ધો કરોડના મેન્ટેનન્સની દરખાસ્ત નામંજૂર કરાયાનું બેઠક બાદ ચેરમેન જયમીન ઠાકરે જાહેર કર્યુ હતું. આ બંને ચર્ચાસ્પદ દરખાસ્ત અંગે લેવાયેલા નિર્ણય વિશે માહિતી આપતા સ્ટે.કમીટીના ચેરમેને કહ્યું હતું કે શહેરના વોર્ડ નં.8 પાર્ટ, 11 પાર્ટ અને 13 પાર્ટમાં ચંદ્રેશનગર હેડવર્કસ આધારીત વિસ્તારોમાં હાઉસ હોલ્ડ અને બલ્ફ ફલોમીટરના ઓપરેશન અને મેન્ટેનન્સ, રીડીંગ અને બીલીંગના કામ માટે એક વર્ષનું 58.32 લાખનું ખર્ચ કરીને એજન્સીને કોન્ટ્રાકટ આપવા દરખાસ્ત આવી હતી. પરંતુ વાસ્તવમાં આ યોજના ચંદ્રેશનગરથી આગળ વધી શકી નથી. મીટરથી પાણીની યોજના આજની તારીખે રાજકોટમાં આગળ વધારવી શકય પણ નથી. નજીકના ભવિષ્યમાં અન્ય વોર્ડમાં મીટર બેસાડવા કોઇ પ્લાનીંગ નથી. આથી આ કોન્ટ્રાકટ માટે વર્ષે પ8 લાખનો ખર્ચ કરવો વ્યાજબી લાગતો નથી. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં 24 કલાક પાણી વિતરણની વાત લગભગ દાયકાથી થાય છે અને છ વર્ષ પહેલા ચંદ્રેશનગર હેઠળના જુના વોર્ડ નં. 13માં આવેલા જુદા જુદા વિસ્તારમાં 14 હજાર મકાનોમાં પાણીના બલ્ક ફલોમીટર પણ મૂકવામાં આવ્યા હતા. પરંતુ તેનો ઉપયોગ આજ સુધી થયો નથી. માત્ર ટ્રાયલ થઇ છે. રાજકોટને રોજ 20 મીનીટ પાણી માટે પણ સરકારની સૌની યોજનાનો આધાર છે ત્યારે આ યોજના આગળ વધારવા સામે કાયમ સવાલ ઉઠતા હતા. ગત તા.13-4-18માં 5.95 કરોડના ખર્ચે મીટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા. જેનો કોઇ ઉપયોગ થઇ શકયો નથી. આથી વધારાનું મેન્ટેનન્સ ખર્ચ ચડાવવાનું હાલની બોડીને યોગ્ય લાગ્યું નથી.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDk