કોઇ નોટીસ વગર હોટલો, રીસોર્ટ, પાર્ટી પ્લોટને સીલ મારી દેવાયા છે : હજારો લોકોની રોજી પણ અટકી ગઇ
ફાયર સેફટી અંગે નવા આવેલા કાયદા અંગે આજ સુધી કોઇ અધિકારીઓએ સંચાલકોને જાણ પણ કરી નથી
ધડાધડ સીલીંગથી ધંધા રોજગાર ઠપ્પ થઇ ગયા : સરકારે જ જાહેર કરેલી ઇમ્પેકટ યોજનામાં કરેલી અરજી નજરઅંદાજ
રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડની ઘટના બાદ પૂરા રાજયમાં ફાયર સેફટીના અમલ માટે સરકારે અને સ્થાનિક તંત્રોેએ શરૂ કરેલી કડક ઝુંબેશ વચ્ચે શાળા, કોલેજો, હોસ્પિટલ, જ્ઞાતિની વાડીઓ સહિતની મિલ્કતોને સીલ મારવામાં આવતા રાજકોટથી માંડી ગાંધીનગર સુધી રજુઆતો થઇ હતી. જેના પગલે શાળા, હોસ્પિટલ, લગ્ન હોલને શરતી છુટછાટ આપવામાં આવ્યા બાદ આજે રાજકોટ શહેર અને હાઇ-વે પર ધંધો કરતા હોટલ, રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ, રીસોર્ટના એસોસીએશન ફેડરેશન ઓફ હોસ્પિટાલીટી દ્વારા મ્યુનિ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. હોટલ, રેસ્ટોરન્ટના માલિકો, સ્ટાફ, કેટરર્સ સહિતના સભ્યોએ કમિશ્નરને ફાયર સેફટીની અમલવારી માટે ત્રણ મસનો સમય આપવા માંગણી કરી હતી. પરંતુ કમિશ્નર અગાઉ જ ધંધાદારી એકમોને છુટછાટ માટે હજુ કોઇ નિર્ણય લેવાયો નથી તેવું કહી ચૂકયા હોય, એસો.ને કોઇ રાહત મળી નથી.
આરોગ્ય, શિક્ષણ, લગ્ન હોલ જેવી સામાજીક અને આવશ્યક સેવા સિવાય હજુ કોઇ ધંધાદારી એકમોને છુટછાટ આપવા મહાપાલિકાએ કોઇ નિર્ણય નહીં લીધાનો જવાબ તંત્રવાહકોએ આપ્યો છે. રાજકોટ કેટરીંગ એસો. રાજકોટ પાર્ટી પ્લોટ એસો., સૌરાષ્ટ્ર બેકરી એસો., રાજકોટ ઇવેન્ટ એસો., સૌરાષ્ટ્ર આર્ટીસ્ટ એસો., રાજકોટ મંડપ એસો., રાજકોટ લાઇટ એસો., રેસ્ટોરન્ટ એન્ડ કાફે એસો., હોટલ એન્ડ રીસોર્ટ એસો. દ્વારા મહાપાલિકા ખાતે રજુઆત કરવામાં આવી હતી. કમિશ્નર ડી.પી. દેસાઇને કરેલી રજુઆતમાં એવી માંગણી કરવામાં આવી હતી કે ફાયર એનઓસી તથા બીયુ પરમીશનની ચકાસણીની કાર્યવાહી દરમ્યાન હોટલ, રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ, કાફે વગેરે જગ્યાએ જે સીલ મારવામાં આવ્યા છે તે તાત્કાલીક ખોલી ધંધો શરૂ કરવાની પરવાનગી આપવી જોઇએ. ગેમઝોનની આગ દુર્ઘટના બાદ આ મામલે સીલ મારવામાં આવતા હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર ગંભીર અસર પડી છે.
કેન્સર ક્લબના સભ્યોએ કેશોદના અજાબ ગામની લીધી મુલાકાત
ફેડરેશન ઓફ હોસ્પિટાલીટીના 9 સભ્યો એસો.એ વધુમાં જણાવ્યું હતું કે આ તમામ એસો.ના ધંધાર્થીઓ હજારો લોકોને રોજગારી પૂરી પાડે છે. વહીવટી તંત્ર દ્વારા એકાએક આ સ્થળોને સીલ મારી દેવામાં આવતા મોટી મુશકેલી ઉભી થઇ છે. સીલ મારતા પહેલા હોટલ, રેસ્ટોરન્ટને કોઇ જાણ કરવામાં આવી નથી અને નોટીસ પણ અપાઇ નથી જે ગેરવ્યાજબી છે. છેલ્લે આવેલા ફાયર એનઓસી અંગેના નવા નિયમ કે પરિપત્રની શહેરના નાગરિકો, વેપાર, ઉદ્યોગકારોને કોઇ ખ્યાલ નથી. કોર્પો. અધિકારી કે પદાધિકારીઓને પણ ખ્યાલ ન હોય તથા તેમને જાણ કરવામાં આવી ન હોય, ઘણી વિસંગતતાઓ પ્રવર્તી રહી છે. હાલની પરિસ્થિતિમાં શાળાઓ, કલાસીસ, હોસ્પિટલ, હોટલ, રેસ્ટોરન્ટ તથા અન્ય જરૂરી એકમો માટે રાજય સરકાર ઇમ્પેકટ ફીનો કાયદો પણ લાવી છે. આવા અનેક ધંધાર્થીઓ આ યોજનાનો લાભ લેવા એપ્લાય પણ થયા છે.
છતાં પણ અધિકારીઓ દ્વારા ઇમ્પેકટમાં મુકવામાં આવેલી અરજીઓ ચકાસ્યા વગર માત્ર સીલ મારવાની કામગીરી જ કરવામાં આવી છે. વધુમાં એસો.એ જણાવ્યું છે કે ફાયર સેફટીની બાબતમાં તેઓ પણ ચિંતિત છે. સરકારના નિયમ મુજબ સાધનો વસાવવા કે સુરક્ષામાં બાંધછોડ કરવા માટે તેમની કોઇ રજુઆત નથી. આથી જેમ શાળાઓ અને હોસ્પિટલોને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે તે રીતે હોટલ, રેસ્ટોરન્ટ ઉદ્યોગને પણ સીલ ખોલી મુદ્દત સાથે નિયમ પાલન કરવા દેવા ધંધાર્થીઓની લાગણી છે. આજે સવારે મનપામાં મોટી સંખ્યામાં હોટલ, રેસ્ટોરન્ટ, રીસોર્ટના સંચાલકો, કર્મચારીઓ ઉમટી પડયા હતા.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDk