બેઠકમાં ટ્રાફિક ડી.સી.પી. પૂજા યાદવ, આર.ટી.ઓ. અધિકારી રોહિત પ્રજાપતિ, ટ્રાફિક એ.સી.પી. જે.બી. ગઢવી વિગેરે રહ્યાં ઉપસ્થિત
રોડ અકસ્માતના કારણે લોકોના જાનમાલનું નુકસાન અટકાવવા અર્થે કાર્યરત રાજકોટ શહેર માર્ગ સલામતીની બેઠક નવનિયુક્ત પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની અધ્યક્ષતામાં પોલીસ કમિશનર કચેરી ખાતે યોજાઈ હતી. સીપીએ હાઇવે ટચ અકસ્માત સંભવિત ઝોનમાં સ્ટ્રીટ લાઈટ, સાઈનેજીસ, ઝીબ્રા ક્રોસિંગ, સ્પીડ બ્રેકર, રંબલ સ્ટ્રીપ સહિતની કામગીરી સત્વરે પૂર્ણ કરવા વિવિધ એજન્સીઓને સૂચના આપી હતી. સાથોસાથ હાઇવે પર આવા ઝોનમાં નાઈટ પેટ્રોલિંગ વધારવા પર ભાર મુક્યો હતો. પ્રિ-મોન્સૂન કામગીરી જેવી કે, રોડ સાઈડ ઝાડની ડાળીઓ કટિંગ કરવા, જોખમી બેનર્સનો સર્વે કરવા, રોડ રીપેરીંગ સહીતની કામગીરી તાકીદે પૂર્ણ કરવા તેમજ વિવિધ બ્લેક સ્પોટ જેવા કે, જુના કુવાડવા પોલીસ સ્ટેશન, બેડી ચોકડી, ગોંડલ ચોકડી, માધાપર ચોકડી, હિરાસર એરપોર્ટ રોડ, ત્રંબા ગામ પાસે, ભાવનગર રોડ આજી ડેમ ચોક સહિતના હાઇવે પર સ્ટેટ તેમજ એન.એચ.એ.આઈ. દ્વારા સાઈનેઝીસ, માર્કિંગ, મીડીયમ ગેપ જોડાણ, સ્ટ્રીટ લાઈટ સહીતની કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. રોડ સેફટી કાઉન્સિલના જે.વી. શાહે રાજકોટ શહેરમાં હિટ એન્ડ રન ના 22 જેટલા કિસ્સા પૈકી 19 જેટલા કિસ્સામાં ભોગ બનનારને રાજ્ય સરકાર દ્વારા વળતર આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. અકસ્માતમાં ગંભીર લોકોને મદદરૂપ બનનાર લોકોને ગુડ સમરીટન એવોર્ડ આપવામાં આવે છે તેમજ તેઓનું રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સન્માન પણ કરવામાં આવશે. આ બેઠકમાં ટ્રાફિક ડી.સી.પી. પૂજા યાદવ, આર.ટી.ઓ. અધિકારી રોહિત પ્રજાપતિ, ટ્રાફિક એ.સી.પી. જે.બી. ગઢવી, એસ.ટી. વિભાગીય નિયામક કલોતરા, શિક્ષણા વિભાગ, રાજકોટ સિવિલ વિભાગ, વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ આર.એમ.સી.ના વિવિધ શાખાના અધિકારી તેમજ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.