સામાજિક ઉત્પીડિત મહિલાઓ ન્યાય માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન થકી સહાયતા મેળવી શકે છે
મહિલાઓના ઉત્કર્ષ અને સશક્તિકરણ અર્થે ગુજરાત સરકાર વ્યાપક યોજનાકીય સહાય અમલીકરણ સાથે સતત અગ્રેસર રહી છે. તેમજ મહિલાઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ બની સામાજિક ન્યાયિક લડતમાં પણ હરહંમેશ મદદરૂપ બનતી રહી છે. જેનું જવલંત ઉદાહરણ તરીકે રાજકોટ જિલ્લા ખાતે ૧૮૧ અભયમ એ એક પીડિતાને તેના પતિ દ્વારા અપાતા ત્રાસ અને પીડામાંથી મુક્ત કરાવી સુખી સંસારની અનુભૂતિ પુનઃ જાગૃત કરાવી છે.
ગત તા. ૧૨- જુન ના રોજ પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક પીડીત મહિલાએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવ્યું કે તેમના પતિએ છ દિવસથી તેણીને ઘરની બહાર કાઢી મુકેલ છે તેથી ૧૮૧ ની મદદની જરૂર છે. જેના પગલે ૧૮૧ ના કાઉન્સેલર વૈશાલીબેન ચૌહાણ, મહિલા કોન્સ્ટેબલ પાયલબેન તેમજ પાયલોટ હિમાંશુભાઈએ સ્થળ પર પહોંચી પીડિત મહિલાની તકલીફ જાણી હતી. મહિલાના કાઉન્સેલિંગ દરમિયાન તેણીએ જણાવેલ કે તેમના લગ્નને 8 વર્ષ જેટલો સમયગાળો થયો છે, હાલ સંતાનમાં 3 બાળકો છે. તેના પતિ અવાર-નવાર ઝઘડો કરી માનસિક-શારીરિક ત્રાસ આપે છે અને વારંવાર પિયર મૂકી જતા હોય છે. પીડીત મહિલાના ભાઈ બીમાર હોઇ, મદદ માટે પીડીતાએ પિયર જવાનું કહેતા તેના પતિ તેમને ઝઘડો કરી પિયર મૂકી આવેલ. પીડિત મહિલાના બાળકો પણ તેમના પતિએ પોતાની પાસે રાખ્યા હતા. પીડિતાની વ્યથા સમજી ૧૮૧ ટીમે પીડિતાના પતિને પિયર જવાના કારણે તેમના લગ્ન જીવનમાં આવતી સમસ્યા વિશે સમજાવી અને કાયદાકીય સલાહ-સૂચન માર્ગદર્શન આપ્યુ હતું.
પીડિતાના માતાને પણ હાજર રાખી પીડિતાના સાસુ-સસરા, કુટુંબના સભ્યો સાથે વાતચીત કરી સમજાવટ કરતાં પીડિતાના પતિએ તેની ભૂલ સ્વીકાર કરી માફી માગેલ હતી અને હવે પછી તેની પત્નીને હેરાન નહી કરે તેમજ પત્ની અને બાળકોની તમામ જવાબદારીઓ પૂરી કરશે તેવું જણાવેલ હતું. પીડિતાના પતિની જવાબદારી તેના ઘરના વડીલોએ લેતા પતિ-પત્ની વચ્ચે થતા ઝઘડા નું સુખદ નિરાકરણ થયું હતું. ૧૮૧ ટીમે પીડિતાના પતિ અને તેમના પરિવારજનોને ધીરજપૂર્વક સમજાવી તેઓનો ઘર સંસાર તૂટતા બચાવી સમાજને નેત્રદિપક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ તકે પીડિત મહિલા અને તેમના પરિવારજનોએ ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કરેલ હતો.