રાજકોટની ટીઆરપી ગેમ ઝોન ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોની પ્રથમ માસિક પુણ્યતિથી તા. 25 જુનના રોજ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા અને પીડિત પરિવારજનોને ન્યાય અપાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શાંતિપ્રિય રીતે અપાયું રાજકોટ બંધનું એલાન
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર વાર્તાને સંબોધતા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અને કાર્યકારી પ્રદેશ પ્રમુખશ્રી જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ અગ્નિકાંડને ૧૪ દિવસ કરતા વધુ સમય થયો, હું ૧૪ દિવસ રાજકોટ જ હતો ત્યાં પીડીતોના પરિવારની વેદના સાંભળી, પ્રાર્થના સભામાં ભાગ લીધો, શ્રધ્ધાંજલીના કાર્યક્રમો આપ્યાં, પીડીતો માટે મૌન પાળ્યું, પત્રિકા વિતરણ કરી, લોકસંપર્ક કર્યો, અનેક મીડીયા મિત્રો – પત્રકાર મિત્રો સાથે અગ્નિકાંડ વિશે વાત કરી, અગ્રણી નાગરિકો અને બુધ્ધિજીવીઓને મળ્યા, સમગ્ર રાજકોટનું એકસુરે આજની તારીખે એવુ માનવું છે કે, અગ્નિકાંડમાં પણ તક્ષશીલાકાંડ અને મોરબી કાંડની માફક ન્યાય મળવાનો નથી. આખુ રાજકોટ એકસુરે આ વાત કહી રહ્યું છે. રાજકોટના રહેવાસીઓ અને પીડીત પરિવારજનો એવુ એટલા માટે માની રહ્યાં છે કે અગાઉ તક્ષશીલા કાંડ, શ્રેય હોસ્પિટલ કાંડ, રાજકોટમાં કોરોના દરમ્યાન સ્વર્ણ હોસ્પિટલમાં લાગેલ આગમાં આઠ લોકોના મૃત્યુ પામ્યાની ઘટના અને વડોદરાની અગ્નિકાંડની ઘટના આવી એકપણ ઘટનામાં રાજ્યની સરકારે અને પોલીસે કસુરવાર મોટા અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓની ક્યારેય ધરપકડ કરી નથી અને એના કારણે આજે રાજકોટ શહેરમાં પીડીત પરિવારોમાં એવી લાગણી પ્રવર્તે છે આ કિસ્સામાં એમને કોઈપણ સંજોગોમાં ન્યાય મળવાનો નથી.આગામી તારીખ 15 ના રોજ પોલીસ કમિશનર કચેરીએ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને મૃતકના પરિવારોજનો આવેદનપત્ર આપશે. સાથે જ રાજકોટની ટીઆરપી ગેમ ઝોન ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોની પ્રથમ માસિક પુણ્યતિથી તારીખ 25 જુનના રોજ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા અને પીડિત પરિવારજનોને ન્યાય અપાવવા શાંતિપ્રિય રીતે રાજકોટ બંધનું એલાન આપવામાં આવેલ છે.