લ્યો બોલો.. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક કલાકમાં મોતનો દાખલો બદલ્યો!
ઝેરી દવા પી આપઘાત કરનાર યુવકનું પી.એમ. કરાવવાના બદલે ડોકટરે ઊંઘમાં મરણનો દાખલો આપી દીધો, પાછળથી ગંભીરતા સમજાતા પી.એમ. કરાવી જૂનો દાખલો ફાડી નાખ્યો
રાજકોટની પીડિયું સિવિલ હોસ્પિટલમાં બેદરકારીની ભરમાર છે. ખાસ કરીને દર્દીઓની જાળવણીમાં તંત્ર હંમેશા ઊણું ઉતર્યું છે. સિવિલ હોસ્પિટલમાં આમ તો અધિક્ષકની રાહબરીમાં દર્દીઓને કોઇ તકલીફ ન પડે તે માટે તમામ સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે પણ અમુક વખતે કોઇની બેદરકારી કે પછી ભુલને કારણે બીજાને સહન કરવું પડે તેવો તાલ સર્જાતો હોય છે. ત્યારે રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં એક બેદરકારીનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં ચારેક દિવસ પહેલા એક આધેડે અતિથિ ચોક પાસે આર્થિકભીંસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવમાં નિંદ્રાધીન તબીબે એમએલસી જાહેર કર્યા વગર જ મૃત્યુનો દાખલો આપી દીધો હતો. ત્યારબાદ ગંભીરતા ધ્યાને આવતા એ દાખલો ફાડી અને બાદમાં એમએલસી જાહેર કરી સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવી પડી હતી. વધુ વિગતો મુજબ,શહેરના અતિથિ ચોક પાસે રહેતા નીમીશભાઈ લીલારામભાઈ સિંધી (ઉ.વ.48) એ ગઈ તા.8ના રોજ અતિથિ ચોક પાસે આવેલા તીર્થભૂમિ અને પાર્ટમેન્ટ નીચે ઝેરી દવા પી લીધી હતી તેઓને ત્યાં રહેતા સ્થાનિકોએ સારવાર માટે તુરંત સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. ત્યાં બીજા દિવસે તા.9ના રોજ વહેલી સવારે તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે તબીબોએ સૌ પ્રથમ 5:30 વાગ્યે મૃત જાહેર કર્યા અને નિંદ્રાધીન તબીબે દર્દીના સગાને મરણનો દાખલો આપી દીધો હતો.તેમજ મૃતકના સબંધીઓ પણ મૃતદેહ લઈ જવાની તૈયારી કરતા હતા. તે દરમિયાન તબીબની ઊંઘ ઊડી હતી અને તેમણે કરેલી ભૂલની ગંભીરતાને ધ્યાને રાખી મૃતકના સબંધીઓને બોલાવી તેમને આપેલો મરણનો દાખલો જોવા માંગી અને તે ફાડી નાખ્યો હતો. ત્યારબાદ તબીબે એમએલસી જાહેર કરી અને સવારે 6:30 વાગ્યે ફરી નિમિસભાઈને મૃત જાહેર કરી હોસ્પિટલ ચોકીમાં જાણ કરી હતી. જેથી આધેડનો મૃતદેહ પોસ્ટમોર્ટમ રુમે ખસેડયો હતો. તેમજ હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ એડીની જાણ તાલુકા પોલીસ મથકમાં કરી હતી. ત્યારબાદ તાલુકા પોલીસે સિવિલ હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી. નિમિસભાઈ એપાર્ટમેન્ટ માં સિક્યોરિટીની નોકરી કરતા હતા. તેઓ પાંચભાઈ અને એક બહેનમાં ચોથા નંબરના હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં અગાઉ સ્ટાફે બેદરકારી દાખવી એક દર્દીને અન્ય બ્લડ ગ્રૂપનું લોહી ચડાવી દેવાયું હતું જેમાં દર્દીની હાલત અતિ ગંભીર થઈ હતી. બીજી ઘટનામાં તબીબના વાંકે એક મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે કલાકો રજળ્યો હતો. આવી બેદરકારીઓ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અનેક વાર સામે આવે છે.